અયોધ્યા કેસઃ હવે અડવાણી, જોષી, ઉમા ભારતીનું શું થશે?

અયોધ્યાના બાબરી ઢાંચા ધ્વંસનો કેસ ફરી એક વાર બહાર આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં અપરાધિક ષડયંત્ર રચવાના આરોપસર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિતના અન્ય બીજા ભાજપના નેતાઓને ટેકનિકલ મુદાના આધારે છોડી મૂકવાના મુદા સામે કેટલાક સવાલ કર્યા છે. હવે એમ લાગી રહ્યું છે કે આ તમામ નેતાઓ સામે આ કેસ આગળ ચાલશે. તેથી આ કેસમાં હવે શું થઈ શકે છે તે અંગે વિવિધ અટકળો સાથે સવાલ થઈ રહ્યા છે.

અડવાણી અને મુરલી મનોહર જોશી હાલ પાર્ટીના માર્ગદર્શક મંડળના સભ્ય છે કે જેમની પાસેથી કોઈ સલાહ લેતું નથી. આ બંને નેતા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી તરફ આશા રાખી રહ્યા છે, પંરતુ સુપ્રીમ કોર્ટની ટીકા કારણે હવે તેમની આ આશા પર પણ પાણી ફરે વળે તેમ લાગી રહ્યું છે અને તેમના માટે આ રસ્તો પણ બંધ થઈ શકે છે. પાર્ટી તેમને આ પદ માટે ઉમેદવાર બનાવે છે કે નહિ તે પ્રશ્ન હવે ઔપચારિક બની ગયો છે. સુપ્રીમ કોર્ટની ટકોર આ બંને નેતા માટે નવી આફત સમાન સાબિત થઈ શકે તેમ છે. ત્યારે ભાજપ આ મુદાને છોડીને વડા પ્રધાન મોદીની વિકાસની રાજનીતિને આગળ ‍વધારવા માગે છે. પરંતુ એવું લાગે છે કે અયોધ્યાના બાબરી ઢાંચાનો મુદો તેને છોડવા તૈયાર નથી. તેથી એ રાહતની વાત થઈ શકે છે કે આ બંને બંધારણીય પદ માટે પાર્ટી નેતૃત્વ તેમના બુઝુર્ગ નેતાઓના નામ પર વિચાર ન કરવાના આરોપથી બચી જશે. પરંતુ પાર્ટીના આ નેતાઓ સામે બાબરી ધ્વંસના અપરાધિક ષડયંત્રમાં સામેલ થવાનો આરોપ પાર્ટીની છબી માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે. ઉમા ભારતી અને વિનય કટિયાર તેમાં અપવાદ છે.

બાબરી ઢાંચાનો કેસ યુપીની ચૂંટણી વખતે જ બહાર આવવા છતાં આ મામલે કોઈ પક્ષે તેની પ્રતિક્રિયા આપવાની તસ્દી પણ લીધી નથી. રામ જન્મભૂમિ આંદોલન ૧૯૭૪ના જેપી આંદોલનબાદનું સૌથી મોટુ જનઆંદોલન હતું જે ૬ ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે થયું હતું. ત્યારબાદ ભાજપની ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી સરકાર બરખાસ્ત થઈ ગઈ હતી. આ આંદોલને અડવાણીને ભાજપના બુદ્ધિજીવી નેતામાંથી લોકપ્રિય નેતા બનાવી દીધા હતા. આ જ રીતે મુલાયમસિંહને મુસ્લમાનોના નેતા બનાવી દીધા હતા. તો બીજીતરફ અશોક સિંઘલ, અડવાણી અને કલ્યાણસિંહને હિન્દુ હૃદયસમ્રાટ બનાવી દીધા હતા ત્યારે સુપ્રીમ કોર્ટની આવી ટકોરથી અડવાણીની રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચવાની આશા પર પાણી ફેરવી નાખ્યું છે.

આ અગાઉ અદાલતની કાર્યવાહીથી તેમની વડા પ્રધાન બનવાની સંભાવનાની શક્યતા અટકાવી દીધી હતી. ૧૯૯૫માં જૈન હવાલાકાંડમાં નામ આવ્યા બાદ અડવાણીએ લોકસભામાંથી રાજીનામું આપી દીધું હતું અને જણાવ્યું હતું કે તેઓ આ આરોપમાંથી નિર્દોષ ઠર્યા બાદ જ સંસદમાં આવશે. તેમની સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી હતી. ત્યારે તેમને પણ ખ્યાલ હતો કે તેઓ વડા પ્રધાન પદના ઉમેદવાર બનવાની વાત તો દૂર રહી પણ તેઓ ૧૯૯૬ની લોકસભાની ચૂંટણી પણ લડી નહિ શકે.

ત્યારબાદ તેમણે નવેમ્બર ૧૯૯૫માં ભાજપના મુંબઈ અધિવેશન દરમિયાન એક સભામાં જાહેરાત કરી હતી કે ભાજપ સત્તા પર આવશે તો વાજપેયી વડા પ્રધાન બનશે. તેમની આવી જાહેરાતથી તમામ લોકો ચોંકી ગયા હતા. તેમણે આવી જાહેરાત કરી માત્ર તેમનું કદ વધારી લીધું નહોતું પણ મુરલી મનોહર જોશીનો માર્ગ પણ બંધ કરી દીધો હતો. કારણ અડવાણી બાદ જોશી જ વડા પ્રધાનના દાવેદાર હતા. જોકે હવે સુપ્રીમ કોર્ટની આ કેસમાં ટકોરથી અડવાણી માટે ફરી એક વાર રસ્તો બંધ થઈ ગયો છે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટ કેવો ચુકાદો આપે છે તેના પર અટકળો ચાલી રહી છે ભાજપ માટે આ મામલો એક પ્રકારે ચિંતાજનક તો કહી શકાય.

http://sambhaavnews.com/

You might also like