ઓટોમોબાઈલ કંપનીના શેરની ગાડી દોડશે?

અમદાવાદ: શેરબજારમાં ભલે ઘટાડાની ચાલ જોવા મળી રહી હોય, પરંતુ આગામી ટૂંકાથી મધ્યમ સમયગાળામાં ઓટોમોબાઇલ કંપનીના શેર્સની ગાડી દોડી શકે છે. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શેરબજાર પટકાયું હતું, પરંતુ ત્યાર બાદ બજારમાં સુધારા તરફી ચાલ નોંધાઇ હતી. ફેબ્રુઆરી બાદ ચાલુ સપ્તાહના સોમવાર સુધીમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૧૭ ટકાનો વધારો જોવાયો છે, જ્યારે તેની સરખામણીએ નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૩ ટકાનો વધારો જોવાયો છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે બજાજ ઓટો, હીરો મોટો કોર્પ, મારુતિ સુઝુકી, ટીવીએસ મોટર્સ, અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ અને ફોર્ડ મોટર્સ કંપનીના શેર્સમાં ૧૩થી ૫૬ ટકા સુધીનો સુધારો જોવાઇ ચૂક્યો છે. એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે આરબીઆઇએ વ્યાજના દરમાં ઘટાડો કરતાં તથા સારાં ચોમાસાની શક્યતાઓ પાછળ ઓટો કંપનીના વેચાણનો ડેટા સુધરવાની આશા છે. તેમાં પણ ખાસ કરીને ટ્રેક્ટરના વેચાણમાં સુધારો થવાની આશા વધુ છે.

You might also like