રિક્ષામાં વેપારીનું ખિસ્સું કાપી ૫૦ હજાર સેરવી લીધા

અમદાવાદ: શહેરમાં રિક્ષાચાલક અને રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં લોકોની નજર ચૂકવી ચોરીના બનાવોમાં એકાએક વધારો થયો છે. છેલ્લા એક અઠવ‌ાડિયામાં રિક્ષામાં પેસેન્જર પાસેથી ચોરીની ચાર ઘટનાઓ બની છે.  વડોદરાથી ફોટોફ્રેમનું મશીન જોવા આવેલા વેપારીને રિક્ષામાં બેઠેલા શખસોએ ખિસ્સું કાપી રૂ.પ૦,૦૦૦ રોકડાની ચોરીનો કિસ્સો બનવા પામ્યો છે. વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરાના સહજાનંદ ખાતે રહેતા અશોકભાઇ રામચંદ્ર અભિચંદાણી ફોટોફ્રેમનો વ્યવસાય કરે છે.

બે દિવસ પહેલાં તેમના પુત્ર અજય સાથે તેનો ફોટોફ્રેમનું મશીન લેવા અમદાવાદ આવ્યા હતા. ફોટોફ્રેમનું મશીન પસંદ ન પડતાં તેઓ પરત જવા અંકુર ચાર રસ્તાથી રિક્ષામાં બેઠા હતા. જેમાં ત્રણ પેસેન્જર બેઠા હતા. બંને પિતા-પુત્રે રિક્ષામાં બેસી જઇ રહ્યા હતા ત્યારે ઉસ્માનપુરા કનક હોટલ નજીક રિક્ષાચાલકે રિક્ષા ઊભી રાખી આગળ ચાર રસ્તા પર પોલીસ ઊભી હશે તમે અહીં ઊતરીને આગળ ચાલીને આવો તેમ કહ્યું હતું. જેથી અજય ઊતરી આગળ ગયો હતો. થોડે દૂર જઇ રિક્ષાચાલકે તમે અહીં ઊભા રહો હું પેસેન્જરને ગલીમાં ઉતારીને આવું છું તેમ જણાવ્યું હતું. જેથી મારા પુત્રને આવવા દો કહેતાં રિક્ષાચાલક રિક્ષા લઇ નાસી ગયો હતો.

અશોકભાઇએ ખિસ્સામાં તપાસ કરતાં ખિસ્સું કપાયેલ હતું અને ખિસ્સામાંથી રોકડા રૂ.પ૦,૦૦૦ ગાયબ હતા. આ અંગે તેઓએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like