રિક્ષાચાલકને કોલ્ડડ્રીંક પીવડાવી બેહોશ કરી રિક્ષા લઈ ફરાર

અમદાવાદ: શહેરના રિક્ષામાં પેસેન્જરોના સ્વાંગમાં ચોરી તેમજ લૂંટ કરવાના કિસ્સાઓમાં વધારો થયો છે. પેસેન્જરે રિક્ષાચાલકને કેફી પીણું પીવડાવીને બેભાન કરી દઇ રિક્ષા તેમજ ત્રણ હજાર રૂપિયા રોક્ડની લૂંટ કરી હોવાની ફરિયાદ થઇ છે.

શહેરના કુબેરનગર રોડ પર રહેતા રિક્ષાચાલક દુર્ગાપ્રસાદ કૌરીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પેસન્જર યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. રવિવારે અજિત મિલ પોલીસ ચોકી પાસેથી રિક્ષા લઇને દુર્ગાપ્રસાદ પસાર થતા હતા ત્યારે એક પેસેન્જર તેમની રિક્ષામાં બેઠો હતો અને આંબાવાડી વિસ્તારમાં આવેલ ગવર્નમેન્ટ કોલોનીમાં લઇ ગયો હતો. દસ પંદર મિનિટ પછી પેસેન્જર પરત આવ્યો હતો અને તેણે દુર્ગાપ્રસાદને કોલ્ડડ્રીંગ પીવડાવ્યું હતું. એકાએક દુર્ગાપ્રસાદને ચક્કર આવતાં તેમણે રિક્ષા ચલાવવાનું બંધ કરી દીધું અને તેઓ બેભાન થઇ ગયા હતા. ગઇ કાલે સવારે છ વાગે દુર્ગાપ્રસાદને આંખો ખોલતાં તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પેસેન્જરે દુર્ગાપ્રસાદને કેફી પીણું પીવડાવીને રિક્ષા અને ત્રણ હજાર રૂપિયા રોક્ડ લઇને ફરાર થઇ ગયો છે. બાપુનગર પોલીસે પેસેન્જર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

અન્ય એક બનાવમાં કાલુપુર વિસ્તારમાં નેશનલ હેન્ડલૂમ કોર્પોરેશનમા કામ કરતા કર્મચારીઓ પાસેથી તમે ચોરી કરી છે તમને પોલીસ સ્ટેશન લઇ જઇ અને ચોરીના ગુનામાં ફીટ કરી દીઇશું તેવું કહીને ચાર હજાર રૂપિયાની લૂંટ કરી હોવાની ફરિયાદ દરિયાપુર વિસ્તારમાં થઇ છે.

ફરિયાદી તરુણ ગુલારામ ગર્ગ અને તેને મિત્ર ધર્મેન્દ્ર લાલ દરવાજા કપડાં ખરીદવા માટે રિક્ષામાં બેસીને કાલુપુર સર્કલ જતા હતા તે સમયે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા કેટલાક શખ્સો તેમજ બાઇક પર આવેલા શખ્સોએ તમે ચોરી કરી છે તેવું કહીને ચાર હજાર રૂપિયા લઇને જતા રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like