કેજરીવાલના રાજીનામાની માંગ સાથે ભાજપના દેખાવો

નવીદિલ્હી: ઓટો રિક્શા પરમીટ કૌભાંડના સંદર્ભમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગણી કરીને ભાજપના કાર્યકરોએ જોરદાર દેખાવો કર્યા હતા. કેજરીવાલના નિવાસસ્થાનની બહાર આ દેખાવો કરવામાં આવ્યા હતા. ભાજપના દિલ્હી એકમના વડા સતીષ ઉપાધ્યાયના નેતૃત્વમાં દેખાવો કરાયા હતા જેમાં પરિવહન પ્રધાન ગોલાપ રાયના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી.

દેખાવકારોને સંબોધતા ઉપાધ્યાયે કહ્યું હતું કે, કેજરીવાલ પ્રત્યે ખુબ જ સન્માન ધરાવનાર અને તેમને જંગી બહુમતિ સાથે જીત અપાવનાર દિલ્હીના ઓટો રિક્શા ડ્રાઇવરો હવે તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું સમજી રહ્યા છે. આ જાણીને દુખ થયંન છે કે, કેજરીવાલ સરકારે વાસ્તવિક ઓટો ડ્રાઇવરો પાસેથી પરવાનગી આચકી લીધી હતી અને ઓટો માફિયાને આ પરવાનગી આપી દેવામાં આવી છે. ઉપાધ્યાયે કહ્યું છે કે, લોકો આ સરકારમાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે. ભાજપ કેજરીવાલ અને રાયના રાજીનામાની માંગ કરે છે. દેખાવકારોએ કેજરીવાલ શરમ કરો, ઓટો વાલોને માન દિયા, સન્માન દિયા તુમને હમકો ભી ધોકા દિયા જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

દિલ્હી સરકારે શનિવારના દિવસે દિલ્હીમાં ૯૦૦થી વધુ ઓટો રિક્શા પરવાનગીને રદ કરી હતી. તેમની ફાળવણીમાં ગેરરીતિના સંદર્ભમાં આ પરવાનગી રદ કરાઈ હતી. સાથે સાથે પરિવહન વિભાગના ત્રણ અધિકારીઓને પણ થ્રી વ્હીલર્સ માટે નવેસરના એલઓઆઈ જારી કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.

ઉપાધ્યાયે કહ્યું હતું કે, પરિવહન વિભાગ પાસેથી આ સંદર્ભમાં અહેવાલ માંગવા એલજી નજીબજંગને કહેવામાં આવ્યું છે. તપાસનો આદેશ પણ આ મામલામાં એસીબીને આપવો જોઇએ. પરિવહન પ્રધાને આ મામલામાં તપાસ કરી છે. અત્રે નોંધનીય છે કે, પરિવહન વિભાગ દ્વારા જારી કરાયેલા તમામ ૯૩૨ એલઓઆઈ રદ કરાયા છે.

You might also like