રિક્ષામાં મોબાઇલ ફોનની લૂંટ કરનાર ત્રણ શખ્સોની ધરપકડ

અમદાવાદ: શહેરના વિંઝોલ વિસ્તારમાં બે દિવસ પહેલાં યુવકના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને ફરાર થઇ જવાના કિસ્સામાં પોલીસે માત્ર ૨૪ કલાકમાં રિક્ષાચાલક સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

વટવા વિસ્તારમાં આવેલ બચુભાઇના કૂવા પાસે ભગવતી નગરમાં રહેતા ૧૮ વર્ષિય રાહુલ કૈલાસરામ રાજભરે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા લૂંટની ફરિયાદ કરી હતી. રાહુલ વિંઝોલ વિસ્તારમાં જાહેર રોડ ઊભો ઊભો મોબાઇલ પર વાત કરી રહ્યો હતો ત્યારે રિક્ષામાં આવેલા ત્રણ શખ્સોએ યુવકના હાથમાંથી મોબાઇલ ફોનની ઝૂંટવીને ફરાર થઇ ગયા હતા. આ કેસમાં વટવા જીઆઇડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એન.વાધેલાની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને બાતમી મળી હતી કે શહેર કોટડા વિસ્તારમાં રહેતો રાહુલ ઉર્ફે ગાંડિયો રામનિવાસ ભદોરિયા, સૈજપુર બોધા વિસ્તારમાં રહેતો ધરમપાલ રમેશભાઇ નિષાદરાજ અને સૈજપુર બોધા વિસ્તારમાં રહેતો રામુસિંગ તોમર આ ગુનામાં સંડોવાયેલા છે.

વટવા જીઆઇડીસી પોલીસે ત્રણેયની અટકાયત કરીને પૂછપરછ કરી હતી તો તેમને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ સિવાય રાહુલ ભદોરિયા અને ધરમપાલ ચોરીના ગુનામાં પણ સંડોવાયેલા છે પોલીસે મોબાઇલ ઝૂંટવીને ફરાર થવાના ગુનામાં વપરાયેલી રિક્ષા પણ કબજે કરીને તપાસ શરૂ કરી છે.

You might also like