ઓટો અને સિમેન્ટના ડેટા પર બજારની નજર

ગુરુવારે છેલ્લે શેરબજાર સાધારણ સુધારે બંધ જોવાયું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૮.૨૬ પોઇન્ટના સુધારે ૨૮,૮૯૨.૯૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૨.૬૦ પોઇન્ટના સુધારે ૮,૯૩૯.૫૦ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ છે. છેલ્લે નિફ્ટી ૮,૯૦૦ની સપાટીએ બંધ જોવાઇ છે તે એક સારા સંકેત સમાન ગણાવી શકાય તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયો છે. ટીસીએસની બાયબેક ઓફર, રિલાયન્સ જિઓની જાહેરાત, મહારાષ્ટ્ર નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીની તરફેણમાં આવેલાં પરિણામોએ શેરબજારને સપોર્ટ કર્યો છે.

એસબીઆઇ અને તેની પાંચ એસોસિયેટ્સ બેન્કના મર્જરને સરકારની મંજૂરી મળી છે. એ જ પ્રમાણે એક્સિસ બેન્કના સરકારી હિસ્સાને ખરીદવા માટે કેટલીક બેન્કો વચ્ચેની હોડ, આઇડિયા-વોડાફોન કંપનીના મર્જરના સમાચારે બજારને આગળ ધપાવવામાં ઇંધણ પૂર્યું છે.

યુપી વિધાનસભાની ચૂંટણીનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આગામી ૧૧ માર્ચે પાંચ રાજ્યની ચૂંટણીનાં પરિણામ આવનાર છે, એટલું જ નહીં આગામી સપ્તાહે ઓટોમોબાઇલ અને સિમેન્ટ કંપનીઓના સેલ્સ ડેટા આવશે. શેરબજારની નજર તેના ઉપર મંડાયેલી રહેશે એટલું જ નહીં, આગામી સપ્તાહે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની અમેરિકી કોંગ્રેસ સમક્ષ સ્પીચ ઉપર બજારની નજર રહેશે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં બજારમાં આગેકૂચ જારી રહી શકે છે. નોંધનીય છે કે ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં લાર્જકેપ ઇન્ડેક્સમાં ૧૦ ટકાથી પણ વધુનો વધારો જોવાઇ ચૂક્યો છે.
http://sambhaavnews.com/

You might also like