રિયો ઓલિમ્પિકમાં જઈ રહેલી ઓસ્ટ્રેલિયાની મહિલા ફૂટબોલ ટીમ ૧૫ વર્ષનાં સ્કૂલનાં છોકરાંઓ સામે હારી

ન્યૂ કેસલઃ ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સિનિયર મહિલા ફૂટબોલ ટીમને આગામી રિયો ઓલિમ્પિક પહેલાં જોરદાર ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન મહિલાઓને પ્રેક્ટિસ મેચમાં ૧૫ વર્ષનાં છોકરાઓની ટીમે ૭-૦થી કારમો પરાજય આપ્યો છે. આ હાર એટલા માટે આશ્ચર્યજનક છે, કારણ કે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને ઓલિમ્પિકમાં મેડલની દાવેદાર માનવામાં આવે છે. પુરુષોની ટીમ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ શકી નથી.

વેલેન્ટાઇન સ્પોર્ટ્સ પાર્કમાં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ફૂટબોલ ટીમનો સામને ન્યૂ કેસલ જેટ્સ અંડર-૧૫ ટીમ સામે હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રેક્ટિસ મેચમાં ઘણી મુખ્ય ખેલાડીઓને આરામ આપ્યો હતો. આમ છતાં ટીમમાં આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીઓની ફોજ હતી. ટીમમાં કેથરિના ગોરી પણ સામેલ હતી, જે ભૂતકાળમાં એએફસી પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ જીતી ચૂકી છે. ટીમમાં વાઇસ કેપ્ટન લિસા ડે વાના પણ સામેલ હતી. આમ છતાં ૧૫ વર્ષના નવાનિશાળિયા છોકરાઓએ મહિલા ટીમને સમગ્ર મેચ દરમિયાન દબાણમાં રાખી હતી અને ગોલ કરવાની એક પણ તક આપી નહોતી. હવે વિશ્વમાં પાંચમો ક્રમાંક ધરાવતી ઓસ્ટ્રેલિયાની આ મહિલા ફૂટબોલ ટીમ બ્રાઝિલ જવા રવાના થશે.

ઓસ્ટ્રેલિયાની મહિલા ફૂટબોલ ટીમના સહાયક કોચ ગેરી વોન એગમોન્ડે જણાવ્યું, ”ઇમાનદારીથી કહું તો મને પણ આવા પરિણામની બિલકુલ આશા નહોતી. જેટ્સ ટીમનાં બાળકો શાનદાર ફૂટબોલ રમ્યા અને જીતનો સંપૂર્ણ શ્રેય તેમને મળવો જોઈએ. તેઓએ ફૂટબોલ પર ગજબનું નિયંત્રણ રાખ્યું અને અમારી ખેલાડીઓને કોઈ તક આપી નહીં. અમે ઘણી વાર પ્રેક્ટિસ મેચોમાં છોકરાઓની ટીમ સામે રમીએ છીએ, કારણ કે મહિલાઓમાં મજબૂત વિપક્ષી ટીમ મળતી નથી.”

ગત વર્ષે સામે અંડર-૧૬ સામે હારનો સામનો કરવો પડ્યો હતો
એવું પહેલી વાર નથી બન્યું કે જ્યારે ઓસ્ટ્રેલિયાની મહિલા ફૂટબોલ ટીમ સ્કૂલનાં બાળકો સામે હારી હોય. ગત વર્ષે સિડની ફૂટબોલ ક્લબની અંડર-૧૬ ટીમે ઓસ્ટ્રેલિયાની મહિલાઓને કારમો પરાજય આપ્યો હતો. એ વખતે પણ ટીમની ઘણી ટીકા થઈ હતી.

You might also like