એક બીજા દેશની ટીમના ક્રિકેટરની અદલા બદલીનો નવતર પ્રસ્તાવ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના યુનિયનના પ્રમુખ દ્વારા રજૂ કરવામાં આવેલ એક પ્રસ્તાવ અનુસાર જુદા જુદા દેશોની ટીમો વચ્ચે ક્રિકેટરોની અદલાબદલી કરવાની મંજૂરી આપવી જોઇએ.

કેવિન પીટરસન જેવા દિગ્ગજ, પરંતુ ટીમમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલ ખેલાડીઓને બીજા દેશોની રાષ્ટ્રીય ટીમોમાં રમવાની મંજૂરી આપવી જોઇએ. તેનાથી નબળી ટીમ મજબૂત બનશે અને ખેલાડી પણ દર્શકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ પ્રસ્તાવ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના એસોસિયેશનના નવા વાર્ષિક રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. એસો.ના રિપોર્ટમાં આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટને ફરી જીવંત કરવા માટે તેની ચેમ્પિયનશીપ યોજવા અને એન.શ્રીનિવાસનને હોદ્દા પરથી હટાવવાની દરખાસ્તનો પણ સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિયેશને દસ પ્રસ્તાવ રજૂ કર્યા છે. જેમાં સૌથી ચર્ચાસ્પદ પ્રસ્તાવ ક્રિકેટરોની ટ્રાન્સફર સિસ્ટમનો છે. આ પ્રસ્તાવ અનુસાર બીજીવાર રમવાની આશા ગુમાવી ચૂકેલા ખેલાડીઓને કોઇ બીજા દેશની ટીમ વતી રમવાની તક આપવી જોઇએ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ ગ્રેગ ડાયરે જણાવ્યું છે કે પાસપોર્ટની પરવા કર્યા વગર એક નિયંત્રિત આંતરરાષ્ટ્રીય પ્લેયર ટ્રાન્સફર સિસ્ટમ બનાવવી જોઇએ જેનો હેતુ ટેસ્ટ રમતી તમામ ટીમને મજબૂત કરવાનો છે કે જેથી ખેલાડીઓનો યોગ્ય ઉપયોગ કરી શકાય.

ગ્રેગે જણાવ્યું છે કે એક ટીમમાં મહત્તમ ત્રણ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની મંજૂરી આપવી જોઇએ અને ઓછામાં ઓછા ત્રણ વર્ષનો કમિટમેન્ટ હોવું જોઇએ. જો આ પ્રસ્તાવ માન્ય રાખવામાં આવશે તો આઇસીસીના કેટલાય નિયમોમાં મોટા ફેરફાર કરવા પડશે.

You might also like