ખેલાડીઓની ઈજા બગાડશે ઓસ્ટ્રેલિયન ઓપનની મજા

મેલબોર્નઃ વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ટોચની મહિલા ખેલાડીઓની ઈજા ટૂર્નામેન્ટની મજા બગાડી શકે છે. ટોપ-૬ રેન્કિંગવાળી મહિલા ખેલાડીઓ સેરેના વિલિયમ્સ, સિમોના હાલેપ, ગાર્બિન મુગુરુજા, મારિયા શારાપોવા, પેટ્રા ક્વિટોવા અને રદાવાંસ્કા ઈજાઓથી પરેશાન છે અને આ બધી મહિલા ખેલાડીઓનું લક્ષ્ય સાજા થઈને ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવાનું છે.

ક્વિટોવા અને રદાવાંસ્કાએ ગત રવિવારે સિડની ઇન્ટરનેશનલમાંથી અચાનક પોતાનું નામ પાછું ખેંચી લીધું. ક્વિટોવા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનર વાઇરસ જ્યારે રદાવાંસ્કાને ડાબા પગમાં ઈજા થઈ છે. ગત સપ્તાહે પર્થમાં વિલિયમ્સ ઘૂંટણની ઈજાથી પીડાતી જોવા મળી હતી. ડાલેપ સિડનીમાં રમી, પરંતુ બ્રિસબેન ઓપનમાં તે દર્દથી વધુ પીડાતી જોવા મળી હતી. મુગુરુજાને બ્રિસબેન ઓપન દરમિયાન પગમાં તકલીફ થઈ, જ્યારે શારાપોવાના ફોરઆર્મમાં દર્દ છે. ઓસ્ટ્રેલિયા ઓપનની ટોચની દાવેદાર સામન્થા સ્ટોસુરના કાંડામાં ઈજા થઈ છે, જોકે તેની ઈજા બહુ ગંભીર નથી.

વિશ્વની બીજા નંબરની ખેલાડી હાલેપે કહ્યું, ”પાછલા બે-ત્રણ દિવસથી મને સારું છે. દર્દ સહન કરવું હંમેશાં મુશ્કેલ હોય છે, પરંતુ હવે મને સારું લાગી રહ્યું છે. મેં સતત બે દિવસ પ્રેક્ટિસ કરી છે. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયન ઓપન પહેલાં હું રમવા માટે તૈયાર થઈ જઈશ. મેલબોર્ન ખાતેની પહેલી મેચ રમવા હું બહુ જ ઉત્સુક છું.”

You might also like