ઓસી ઓપનઃ પેસ-હિંગિસની જોડી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી

મેલબોર્નઃ દિગ્ગજ ભારતીય ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ અને સ્વિટ્ઝર્લેન્ડની તેની જોડીદાર માર્ટિના હિંગિસે વર્ષની પહેલી જ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ્ડ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પેસ-હિંગિસે ગઈ કાલે બીજા રાઉન્ડમાં મેટ રીડ અને કેસી ડેલાક્કાની ઓસ્ટ્રેલિયન જોડીને સીધા સેટોમાં ૬-૨, ૬-૩થી પરાજિત કરી. ઇન્ડો-સ્વિસ જોડીએ આ મુકાબલો માત્ર ૫૪ મિનિટમાં પોતાના નામે કરી લીધો હતો.

પેસ અને હિંગિસે શરૂઆતથી જ મેચમાં પોતાનો દબદબો બનાવી દીધો હતો અને વિરોધી ટીમને વાપસી કરવાની કોઈ તક આપી નહોતી. પેસ-હિંગિસે ચોથી ગેમમાં ડેલાક્કાની સર્વિસ તોડી નાખીને શરૂઆતથી સરસાઈ હાંસલ કરી લીધી હતી. પેસ-હિંગિસે ૫-૨ના સ્કોર પર ફરીથી ડેલાક્કાની સર્વિસ બ્રેક કરીને ૨૪ મિનિટમાં પહેલો સેટ જીતી લીધો હતો. પેસ-હિંગિસના દબદબાનો અંદાજ એ વાત પરથી જ આવી જાય છે કે આ જોડીએ પહેલા સેટમાં ફક્ત એક નાની ભૂલ કરી હતી, જ્યારે વિરોધી જોડીએ સાત ભૂલ કરી હતી.

હિંગિસે બેસલાઇન પર દબદબા બનાવ્યો, જ્યારે પેસે નેટ પર શાનદાર રમતનું પ્રદર્શન કર્યું અને નેટ પર મળતા લગભગ બધા જ પોઇન્ટ હાંસલ કરી લીધા હતા. બીજા સેટમાં પણ પેસ અને િહંગિસે વિરોધી ટીમ પર દબાણ બનાવી રાખ્યું હતું. આ જોડીએ આઠમી ગેમમાં બ્રેક સાથે ૫-૩ની સરસાઈ બનાવી અને પછી પોતાની સર્વિસ બચાવીને સેટ અને મેચ પોતાના નામે કરી લીધો હતો.
http://sambhaavnews.com/

You might also like