ઓસ્ટ્રેલિયન ઓપનરનાં અટકચાળાનો વીડિયો વાઇરલ

વેલિંગ્ટન : શનિવારે અહીં ન્યુઝીલેન્ડ સામે સીરીઝની બીજી વનડે મેચની શરૃઆત પહેલા રાષ્ટ્રગીતની ધૂન ચાલી રહી હતી ત્યારે ટીમના નવા ખેલાડી અને ૨૩ વર્ષીય એડમ ઝેમ્પાની પીઠ પર અને પછી કૂલા પર ગલીપચી કરી રહેલા ઓપનીંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાની એ અટકચાળાવાળી તસ્વીર બુધવારે સોશિયલ મીડીયા પર ખૂબ ચગી ગઈ છે. આ તસ્વીર ફેસબુક પર વહેતી થઈ એ સાથે માત્ર ૧૨ સેકન્ડમાં એ તસ્વીર ૧૬૯૮ વખત શેર થઈ હતી અને ત્યારપછી પણ અનેક વાર શેર થઈ હતી.

રાષ્ટ્રગીતની ધૂન વાગી રહી હતી ત્યારે ખ્વાજાએ ગલીપચીવાળો આવો અટકચાળો કરવાની સાથે રાષ્ટ્રગીત ગાવાનું ચાલુ રાખ્યુ હતું અને રાષ્ટ્રગીત  હોવાથી ઝેમ્પાએ એ ગાવા પર જ એકાગ્રતા રાખી હતી અને ગીત ગાતો રહ્યો હતો. ફેસબુક પર આ હરકતની વિડીયો કલીપ ફેલાઈ એ વિશેના પ્રત્યાઘાત માગવામાં આવતા ખ્વાજાએ ટ્વીટમાં જણાવ્યુ હતું કે એ માત્ર એક મજાક હતી.મને ખબર નહોતી કે પાછળ પણ એક કેમેરા લાગેલો છે.

ઝેમ્પાની એ પહેલી જ મેચ હતી એટલે તેને હું મારી સ્ટાઈલમાં વેલકમ કરી રહ્યો હતો.ઝેમ્પાએ ‘૬૩’ નંબરની જર્સી પહેરી હતી. તે સવા વર્ષ પહેલા મેદાન પર શોન એબોટનો બોલ વાગ્યા પછી મૃત્યુ પામેલા ઓપનર ફીલ હ્યુઝની યાદમાં તેના એ દિવસના ૬૩ રનના આંકડાવાળી જર્સી પહેરીને શનિવારે કરિયરની પ્રથમ વનડે મેચમાં રમ્યો હતો. ખ્વાજાને ૧ નંબરના મેનેજમેન્ટ તરફથી ઠપકો મળ્યો હોવાનું મનાય છે.

ઓસ્ટ્રેલિયાએ એ મેચ જીતીને સીરીઝ લેવલ કરી હતી. ખ્વાજાએ જીતમાં ૪૯ બોલમાં બનાવેલા ૫૦ રનનું યોગદાન હતું ઝેમ્પાએ ૫૭ રનમાં બે વિકેટ લીધી હતી. એ મેચ પછી સોમવારે ન્યુઝીલેન્ડે ત્રીજી મેચ જીતવાની સાથે સીરીઝ ૨૧થી જીતી લીધી હતી. એ મેચમાં ખ્વાજાએ ૪૪ બનાવ્યા હતા અને ઝેમ્પાએ માત્ર એક વિકેટ લીધી હતી.

You might also like