ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને બોલ ટેમ્પરિંગથી રૂપિયા ૧૩૦ કરોડનો ઝટકો લાગ્યો

સિડનીઃ બોલ ટેમ્પરિંગના કારણે સમગ્ર વિશ્વમાં બદનામ થઈ ચૂકેલી ઓસ્ટ્રેલિયાની ટીમનો એક મોટો ઝટકો લાગ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ટોચની સ્પોન્સર કંપની મેગલને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે તેમની ભાગીદારીનો અંત લાવી દીધો છે. મેગલનના ચીફ એક્ઝિક્યુટિવ અને સહસંસ્થાપક હામિશ ડગ્લાસે આ વાતને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમારી ભાગીદારી સાચી ભાવનાવાળી રમત, પ્રતિષ્ઠા, અખંડતા, શ્રેષ્ઠ નેતૃત્વ અને સમર્પણ પર આધારિત હતી.

મેગલને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે ઓગષ્ટ, ૨૦૧૭માં ૨૦ મિલિયન ડોલર (લગભગ ૧૩૦ કરોડ રૂપિયા)નો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો, પરંતુ હવે બોલ ટેમ્પરિંગના કારણે એ કોન્ટ્રેક્ટ રદ કરી દેવામાં આવ્યો છે. એક માહિતી મુજબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અન્ય સ્પોન્સર્સ પણ બોર્ડથી અલગ થવાનું નક્કી કરી ચૂક્યા છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મોટા કોર્પોરેટ સ્પોન્સર ક્વાન્ટાસ એરવેઝ અને સેનેટેરિયમ બોલ ટેમ્પરિંગની ઘટના બાદ નારાજ છે. તેઓને કંપનીનું નામ ખરડાવાનો ભય સતાવી રહ્યો છે. ક્વાન્ટાસ એરવેઝે કહ્યું કે, અમને આ પ્રતિષ્ઠિત ટીમ પાસેથી આવી અપેક્ષા નહોતી. સ્મિથ સેનેટરિયમ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે અને હવે આ કંપની પણ સ્મિથને પડતો મૂકી શકે છે.

આ બંને સ્પોન્સર્સ ઉપરાંત એએસઆઈસીએ, કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા, બુપા, સ્પેક્સાવેરસ, ટોયોટા વગેરે પણ તેમના કોન્ટ્રાક્ટ પણ રદ કરવાનું વિચારી રહ્યા છે એટલું જ નહીં, બોલ ટેમ્પરિંગ બાદ ઓસ્ટ્રેલિયન ટેલિવિઝન નેટવર્ક સાથે કરેલા પાંચ વર્ષના ટેલિકાસ્ટ કોન્ટ્રાક્ટ સામે પણ જોખમ ઊભું થયું છે.

You might also like