ઓસી. સામે સેમ્યુઅલ્સની શાનદાર ઇનિંગ્સે વેસ્ટ ઇન્ડીઝને જીત અપાવી

સેન્ટ કિટ્સઃ યજમાન વેસ્ટ ઇન્ડીઝ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અહીં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીની પાંચમી મેચમાં ઓસ્ટ્રેલિયાના સારા કહી શખાય તેવા ૨૬૫ રનના સ્કોર છતાં વેસ્ટ ઇન્ડીઝે જીત માટેનું ૨૬૬ રનનું લક્ષ્ય આસાનીથી છ વિકેટે હાંસલ કરી લેતા આ મેચ ચાર વિકેટે જીતી લીધી હતી. મેન ઓફ ધ મેચ જાહેર થયેલા સેમ્યુઅલ્સે શાનદાર ઇનિંગ્સ રમતા ૮૭ બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૯૨ રન બનાવ્યા હતા.

ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ કુલ એક રનના સ્કોર પર એરોન ફિંચ ખાતું પણ ખોલાવે તે પહેલાં હોલ્ડરની બોલિંગમાં સુલેમાન બેનના હાથમાં ઝિલાઈ ગયો હતો. જોકે ત્યાર બાદ અન્ય ઓપનર ઉસ્માન ખ્વાજા અને કેપ્ટન સ્મિથની જોડી જામી હતી અને આ બંનેએ વેસ્ટ ઇન્ડીઝના બોલર્સનો જોરદાર સામનો કર્યો હતો અને ટીમના સ્કોરને ૧૭૧ રન સુધી પહોંચાડી હતી.

આ સ્કોર પર સ્મિથ ૯૫ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૭૪ રન બનાવી બ્રાથવેઇટનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ કુલ ૧૯૬ રનના સ્કોર પર ખ્વાજાના રૂપમાં પડી હતી. ખ્વાજા આજે કમનસીબ સાબિત થયો હતો, કારણ કે તે ૯૮ રન બનાવી રનઆઉટ થઈ જતા પોતાની સદી પૂરી કરી શક્યો નહોતો. તેણે ૧૨૩ બોલનો સામનો કરીને ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત બેઇલીએ પણ શાનદાર બેટિંગ કરી ૫૬ બોલમાં એક ચોગ્ગો અને બે છગ્ગાની મદદથી ૫૫ રન બનાવ્યા હતા. આમ ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૨૬૫ રન બનાવ્યા હતા.

લક્ષ્યનો પીછો કરવા ઊતરેલા વિસ્ટ ઇન્ડીઝની શરૂઆત સારી રહી હતી અને ઓપનિંગ બેટ્સમેન ચાર્લ્સ અને ફ્લેચરે પહેલી વિકેટની ભાગીદારીમાં ૭૪ રન ઉમેર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી ટોચના લગભગ તમામ બેટ્સમેનોએ થોડું ઘણું યોગદાન આપ્યું હતું, પરંતુ મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ તો માર્લોન સેમ્યુઅલ્સ રમ્યો હતો. તેણે ૮૭ બોલનો સામનો કરીને આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે રનઆઉટ થતા પહેલાં ૯૨ રન ઝૂડી કાઢ્યા હતા. અંતે વેસ્ટ ઇન્ડીઝે ૪૫.૪ ઓવરમાં છ વિકેટ ગુમાવીને જીત માટે જરૂરી ૨૬૬ રનનું લક્ષ્ય હાંસલ કરી લેતા તેઓનો ચાર વિકેટે વિજય થયો હતો.

ઓસ્ટ્રેલિયાઃ
ખ્વાજા રનઆઉટ ૯૮
ફિંચ કો. બેન બો. હોલ્ડર ૦૦
સ્મિથ કો. એન્ડ બો. બ્રાથવેઇટ ૭૪
બેઇલી કો. રામદીન બો. પોલાર્ડ ૫૫
મિચેલ માર્શ કો. હોલ્ડર બો. બ્રાથવેઇટ ૧૬
હેડ કો. રામદીન બો. પોલાર્ડ ૦૧
વેડ બો. હોલ્ડર ૦૫
ફૌકનર અણનમ ૦૪
કલ્ટરનાઇલ અણનમ ૦૧
વધારાના ૧૧
કુલ (૫૦ ઓવરમાં સાત વિકેટે) ૨૬૫

વેસ્ટ ઇન્ડીઝઃ
ચાર્લ્સ એલબી બો. ઝમ્પા ૪૮
ફ્લેચર કો. બેઇલી બો. ફૌકનર ૨૭
ડેરેન બ્રાવો કો. વેડ બો. ઝમ્પા ૩૯
સેમ્યુઅલ્સ રનઆઉટ ૯૨
રામદીન બો. કલ્ટરનાઇલ ૨૯
પોલાર્ડ અણનમ ૧૬
હોલ્ડર કો. વેડ બો. કલ્ટરનાઇલ ૦૦
બ્રાથવેઇટ અણનમ ૦૩
વધારાના ૧૨
કુલ (છ વિકેટે ૪૫.૪ ઓવરમાં) ૨૬૬

You might also like