ઓસ્ટ્રેલિયા-પાક. વચ્ચે આજે કરો યા મરોનો જંગ

મોહાલી: આઇસીસીએ ટી-૨૦ વિશ્વકપનું ફોર્મેટ કંઈક એવું બનાવ્યું છે કે લગભગ દરેક ફોર્મ્યુલા કરો યા મરો જેવી નજરે પડી રહી છે અને આવો જ એક મકાબલો આજે મોહાલીમાં ખેલાશે. આ મુકાબલો યોજાશે ઉતાર-ચઢાવવાળા તબક્કામાંથી પસાર થવાને કારણે બેકફૂટ આવી ગયેલી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ટીમ સામે.

સ્પર્ધામાં સેિમફાઈનલ તબક્કામાં પહોંચવા માટે હરીફ ટીમની સરખામણીમાં પોતાનો પંથ થોડો સહેલો હોવાના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ આઈ.સી.સી. ટી-૨૦ વર્લ્ડ કપમાં સારો દેખાવ કરવા ઝઝૂમી રહેલી પાકિસ્તાની ટીમ સામે આજે મોહાલીમાં આઈ. એસ. બિન્દ્રા સ્ટેડિયમ ખાતે રમાનારી મેચમાં વિજયની આશા સાથે રમશે. પાકિસ્તાનનો દેખાવ સ્પર્ધામાં અત્યાર સુધી સારો રહ્યો નથી, પણ ઓસ્ટ્રેલિયાની ટીમ આ મહત્ત્વની મેચમાં તેની તાકાત ઓછી આંકવાની ભૂલ કરવા તૈયાર નહીં જ હોય. પોતાની ત્રણ મેચમાંથી બે પરાજય સાથે પાકિસ્તાન માટે સ્પર્ધામાં આગેકૂચ કરવા માટેનો મોકો બહુ ધૂંધળો દેખાઈ રહ્યો છે અને કોચ વકાર યુનુસનું પણ માનવું છે કે ટીમના આવા કંગાળ દેખાવ બાદ તે સેમિફાઈનલમાં રમવાને લાયક નથી.

બીજી તરફ, ન્યૂઝીલેન્ડ સામેના પરાજય તથા બંગલાદેશ વિરુદ્ધ મહામુશ્કેલીએ પ્રાપ્ત થયેલા વિજય બાદ સ્ટીવ સ્મિથના નેતૃત્વમાં ઓસ્ટ્રલિયા જો આજની મેચ જીતી લેશે તો વર્લ્ડકપમાં પાકિસ્તાનનો સંગ્રામ પૂરો થઈ જશે તથા ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પ્રવેશ કરી ચૂક્યું હોવાથી રવિવારે યજમાન ભારત સામે કાંગારુંઓની આખરી લીગ મેચ ક્વાર્ટર ફાઇનલ સમાન બની રહેશે.
પાકિસ્તાનની ટીમના કોચ વકારે નિષ્ફળ ગયેલા તેમના બેટ્સમેનોની સખત ટીકા કરી છે તથા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પી.સી.બી.) તરફથી પણ જાહેરાત કરાઈ હતી કે ટી-૨૦ વર્લ્ડ કપની સમાપ્તિ પછી શાહીદ આફ્રિદીને સુકાનીપદેથી દૂર કરવામાં આવશે.

આ મેચમાં એક વધુ પરાજય આફ્રિદીની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પણ અંત લાવી શકે છે જે માટે આ ઓલ-રાઉન્ડરે અગાઉ સંકેત આપી દીધો હતો.
સુકાની આફ્રિદીનો બેટિંગ તથા બોલિંગ દેખાવ બહુ ખરાબ નથી રહ્યો, પણ તેના બેટ્સમેનો ઝળકી શક્યા નથી તથા બહુ પંકાયેલું પાકિસ્તાનનું ફાસ્ટ બોલિંગ આક્રમણ પણ ન્યૂ ઝીલેન્ડ સામેની મેચમાં મોહંમદ શામીના અપવાદ સાથે નબળું પડી ગયું હતું. મેચની શરૂઆત બપોરે ૩.૩૦ વાગ્યે થશે.

You might also like