કાંગારુંઓએ પાકિસ્તાનનો ૩-૦થી સફાયો કરી નાખ્યો

સિડનીઃ પ્રવાસી પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટેસ્ટની શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનનો સફાયો કરી નાખીને શ્રેણી ૩-૦થી પોતાના નામે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૫૩૮ રનના જવાબમાં પાકિસ્તાનનો પ્રથમ દાવ ૩૧૫ રનમાં સમેટાઈ ગયો હતો. પાકિસ્તાનને ફોલોઓન કરવાને બદલે ઓસ્ટ્રેલિયાએ બીજો દાવ લેવાનું પસંદ કર્યું હતું અને આક્રમક બેટિંગ કરીને ફક્ત ૩૨ ઓવરમાં બે વિકેટે ૨૪૧ રન ફટકારી દીધા હતા અને પાકિસ્તાનને જીતવા માટે ૪૬૫ રનનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું, જેની સામે પાકિસ્તાનના બીજા દાવનો વાવટો ફક્ત ૨૪૪ રનમાં જ સમેટાઈ જતાં ઓસ્ટ્રેલિયાએ ૨૨૦ રનથી ટેસ્ટ જીતવાની સાથે શ્રેણી પણ ૩-૦થી પોતાના નામે કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૯૫ બોલમાં ૧૧૩ રન અને બીજા દાવમાં ૨૭ બોલમાં ૫૫ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમનાર ડેવિડ વોર્નરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે શ્રેણીમાં શાનદાર બેટિંગ અને કેપ્ટનશિપ કરનાર સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ગઈ કાલે ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે ૪૬૫ રનના લક્ષ્ય સામે પાકિસ્તાનનો સ્કોર એક વિકેટે ૫૫ રન હતો. આજે પાંચમા દિવસની શરૂઆતમાં જ હેઝલવૂડ ત્રાટક્યો હતો અને તેણે શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી રહેલા અઝહર અલીને ૧૧ રને જ પેવેલિયન ભેગો કરી દીધો હતો. આજે પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયન બોલર્સે એટલી સુંદર બોલિંગ કરી હતી કે સરફરાઝ અહેમદ (અણનમ ૭૨ રન) સિવાય એક પણ પાકિસ્તાની બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો.

સરફરાઝ અહેમદે આઠમા ક્રમે બેટિંગમાં આવીને એક છેડો સાચવી રાખ્યો હતો અને તે ૭૦ બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૭૨ રન બનાવી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવૂડ – ઓ’કીફે ત્રણ-ત્રણ વિકેટ અને લિયોને બે વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાના વિજયમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like