અંતિમ ઇનિંગ્સમાં ૧૭૪ના સ્ટ્રાઇક રેટથી રમીને વન ડે ક્રિકેટનું આ તોફાન શમી ગયું

હેમિલ્ટનઃ ક્રિકેટ જગતમાં આ તોફાની દાયકાને યાદગાર બનાવવામાં જે બેટ્સમેનોએ સૌથી મોટું યોગદાન આપ્યું છે તેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મેક્કુલમનું નામ ટોચ પર છે. મેક્કુલમે આજે પોતાની વન ડે કરિયરના મુકાબલામાં અંતિમ વાર બેટિંગ કરી. હેમિલ્ટન ખાતે ત્રીજા અને અંતિમ મુકાબલામાં ઓસ્ટ્રેલિયન ટીમે આજે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો, ત્યારે બાદ મેદાન પર બેટિંગ કરવા ઊતરેલા બ્રેન્ડન મેક્કુલમ અને માર્ટિન ગુપ્ટિલે પોતાની ટીમને તોફાની શરૂઆત અપાવી હતી.

મેક્કુલમે પોતાની કરિયરમાં વન ડે ક્રિકેટની આ અંતિમ ઇનિંગ્સમાં પોતાના જાણીતા અંદાજમાં બેટિંગ કરતા ૨૭ બોલમાં ૪૭ રનની તોફાની ઇનિંગ્સ રમી. આ ઇનિંગ્સમાં મેક્કુલમે ૧૭૪ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા પણ ફટકાર્યા.

આજે ટોસ્ટ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડની શરૂઆત તો તોફાની રહી હતી, પરંતુ મિડલ ઓર્ડર બેટ્સમેનોના ધબડકા બાદ ન્યૂઝીલેન્ડની આખી ટીમ ૪૬મી ઓવરમાં ૨૪૬ રન બનાવીને ઓલઆઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાને મેચ અને શ્રેણી જીતવા માટે ૨૪૭ રનનું લક્ષ્ય મળ્યું હતું.

અગાઉ ૪૭ રનનું યોગદાન આપ્યા બાદ મેક્કુલમ માર્શની બોલિંગમાં હેસ્ટિંગ્સ દ્વારા કેચઆઉટ થઈને જ્યારે પેવેલિયન તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે બધા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ તેને તેની શાનદાર કરિયર માટે હાથ મિલાવની શુભેચ્છા પાઠવી હતી. મેચ શરૂ થતા પહેલાં પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ મેક્કુલમને મેદાન પર ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

આજે મેક્કુલમે પોતાની નાની પરંતુ તોફાની ઇનિંગ્સમાં ત્રણ છગ્ગા ફટકારીને વન ડેમાં ૨૦૦ છગ્ગા ફટકારવાનો પણ રેકોર્ડ સર્જી દીધો. તે આવું કરનારો ન્યૂઝીલેન્ડનો પહેલો ખેલાડી છે. આ જ મહિનામાં તે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ રમીને મેક્કુલમ ટેસ્ટ ક્રિકેટ અને ક્રિકેટ જગતને અલવિદા કહી દેશે.

આજે શ્રેણીની અંતિમ મેચ બંને ટીમ માટે અગત્યની છે, કારણ કે બંને ટીમ એક-એક મેચ જીતી ચૂકી છે. બેટિંગ ક્રમ પ્રમાણે ન્યૂઝીલેન્ડનો સ્કોર આ પ્રમાણે રહ્યો હતોઃ ગુપ્ટિલ ૫૯, મેક્કુલમ ૪૭, વિલિયમ્સન ૧૮, નિકોલસ ૧૮, ઇલિયોટ ૫૦, એન્ડરસન ૨૭, રોંચી ૫, બ્રેસવેલ ૨, મિલ્ને ૫, હેનરી અણનમ ૦૦, સોઝી ૦૦.

You might also like