કાંગારુંઓને આઠ વિકેટે કચડી નાખી ૨-૧થી ભારતે શ્રેણી જીતી લીધી

ધર્મશાલાઃ ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ અને શ્રેણી જીતવા માટે મળેલા ૧૦૬ રનના લક્ષ્યને ટીમ ઇન્ડિયાએ આજે ફક્ત બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લઈ ટીમ ઇન્ડિયાએ વધુ એક શ્રેણી વિજય હાંસલ કરી લીધો છે. ભારતે ગઈ કાલના વિના વિકેટે ૧૯ રનના સ્કોરથી આજે આગળ રમવાનું શરૂ કર્યું હતું. આજે પ્રારંભથી કે. એલ. રાહુલે ઓસ્ટ્રેલિયન બોલર્સ પર પ્રભુત્વ મેળવી લીધું હતું અને આસાનીથી રમતો હતો. જોકે ઓસ્ટ્રેલિયન્સને આજે સૌથી પહેલી સફળતા મુરલી વિજયના રૂપમાં મળી હતી. ભારતનો સ્કોર જ્યારે ૪૬ રન હતો ત્યારે મુરલી વિજય ૩૫ બોલમાં આઠ રન બનાવી કમિન્સની બોલિંગમાં વિકેટકીપર મેથ્યુ વેડના હાથમાં ઝિલાઈ ગયો હતો. ત્યાર બાદ તરત જ ચેતેશ્વર પૂજારા પણ ખાતું ખોલે એ પહેલાં રનઆઉટ થઈ ગયો હતો. આમ એકાએક બે વિકેટ ગુમાવી દેતા ટીમ ઇન્ડિયા પર થોડું દબાણ સર્જાયું હતું, પરંતુ ચોથા ક્રમ પર બેટિંગમાં આવેલા કેપ્ટન અજિંક્ય રહાણેએ શરૂઆતથી જ આક્રમક વલણ અખત્યાર કરીને ઓસ્ટ્રેલિયન બોલર્સને ફટકારવાનું શરૂ કરીને સર્જાયેલું દબાણ હટાવી દીધું. એમાંય કમિન્સની એક જ ઓવરમાં બે છગ્ગા ફટકારીને પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.
http://sambhaavnews.com/

You might also like