એશીઝઃ પ્રથમ ટેસ્ટમાં કાંગારુંઓએ અંગ્રેજોને ૧૦ વિકેટે કચડી નાખ્યા

બ્રિસબેનઃ એશીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને ૧૦ વિકેટે કારમો પરાજય આપ્યો છે. ૧૭૦ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને વિજયી લક્ષ્ય સુધી પહોંચવામાં કોઈ જ મુશ્કેલી પડી નહોતી. કાંગારું ઓપનરો ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટની શાનદાર બેટિંગના દમ પર ઓસ્ટ્રેલિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસલ કરી લીધું.

હવે એશીઝના ગત વિજેતા ઈંગ્લેન્ડ પર આગામી ચાર ટેસ્ટમાં દબાણ બની રહેશે. જોકે પહેલા બે દિવસ સુધી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથની શાનદાર સદીએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. સ્ટીવ સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

પહેલી ઇનિંગ્સમાં ઈંગ્લેન્ડે કાંગારું બોલિંગ આક્રમણનો મજબૂતીથી સામનો કરતા ૩૦૨ રન બનાવ્યા હતા. આના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડના બોલર્સ સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી, પરંતુ એક છેડે ઊભેલા કેપ્ટન સ્મિથે હાર નહોતી માની. સ્મિથે એકલા દમ પર ઇનિંગ્સને સંભાળી રાખી. સ્મિથે ૧૪૧ રનની શાનદાર ઇનિંગ્સ રમી. સ્મિથ ઉપરાંત શોન માર્શ પણ થોડા અંશે સફળ રહ્યો હતો. માર્શે ૫૧ રન બનાવ્યા. ઈંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડે ત્રણ, એન્ડરસન અને મોઇન અલીને બે-બે વિકેટ ઝડપી હતી.

બીજી ઇનિંગ્સમાં બધું બદલાઈ ગયું. ઈંગ્લિશ ટીમ પહેલી ઇનિંગ્સમાં જેવી નજરે પડી રહી હતી તે બીજા દાવમાં ફક્ત ૧૯૫ રનમાં જ સમેટાઈ ગઈ. કેપ્ટન જો રૂટે સૌથી વધુ ૫૧ રન બનાવ્યા. એ ઉપરાંત મોઇન અલીએ ૪૦ અને બેરિસ્ટોએ ૪૨ રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને નાથન લિયોને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી. આમ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે જીત માટે ૧૭૦ રનનું લક્ષ્ય રાખ્યું.

આ લક્ષ્યને ઓસ્ટ્રેલિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધું. બ્રિસબેનમાં આ સતત ૨૯મી ટેસ્ટમાં છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અહીં હાર્યું નથી. ૧૯૮૮થી ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર રમાયેલી એક પણ ટેસ્ટ ગુમાવી નથી. એશીઝ શ્રેણીની બીજી ટેસ્ટ બે ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે.

You might also like