ઓસ્ટ્રેલિયન ટીમના ભારત પ્રવાસ પર સંકટનાં વાદળ

સિડનીઃ ડેવિડ વોર્નરે ચેતવણી આપી છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડી કડવાશભર્યા વેતન વિવાદમાં પાછળ નહીં હટે, જેના કારણે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના આગામી પ્રવાસો પર સંકટ ઊભું થયું છે. આ આગામી પ્રવાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ પ્રવાસ ભારતનો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ સંઘ વચ્ચે નવા કરારને લઈને ૩૦ જૂનની સમયમર્યાદા નજીક આવી રહી છે અને આ સ્થિતિમાં વાઇસ કેપ્ટન વોર્નરે કહ્યું છે કે ખેલાડીઓની માગણીઓ પર અમે પારોઠનાં પગલાં નહીં ભરીએ.

ઓસ્ટ્રેલિયાને સૌથી વધુ નુકસાન ઓક્ટોબરમાં પાંચ વન ડે મેચ માટે ભારતનો પ્રવાસ નહીં કરવાથી થઈ શકે તેમ છે. નારાજ ભારત આ સ્થિતિમાં ૨૦૧૮-૧૯માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો ઇનકાર કરી શકે છે, જે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે જબરદસ્ત કમાણીનું સાધન છે. વોર્નરે કહ્યું કે તા. ૧ જુલાઈથી અમે બેરોજગાર બની જઈશું. અમને આવી ધમકી આપવામાં આવી રહી છે. અમે આશા રાખીએ છીએ કે સમજૂતી થઈ જાય. આ વિચિત્ર પરિસ્થિતિ છે. ઓસ્ટ્રેલિયન ટીમે ઓગસ્ટમાં બાંગ્લાદેશ પ્રવાસ પણ ખેડવાનો છે.
http://sambhaavnews.com/

You might also like