ઓસ્ટ્રેલિયામાં સબસ્ટિટ્યૂટ ખેલાડી પણ બોલિંગ-બેટિંગ કરી શકશે?

મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આઇસીસીને પોતાના ઘરેલુ ક્રિકેટમાં સબસ્ટિટ્યૂટ ખેલાડીને રમવા દેવાની મંજૂરી માગી છે. મંજૂરી મળી ગયા બાદ ટ્રાયલ તરીકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા નિયમિત ખેલાડીને માથામાં ઈજા થવાથી કે ચક્કર આવવાની સ્થિતિમાં સબસ્ટિટ્યૂટ ખેલાડીને તેના સ્થાને બેટિંગ અને બોલિંગ કરવાની મંજૂરી આપશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઇઓ જેમ્સ સદરલેન્ડે ફિલ હ્યુજના મૃત્યુ અંગે રિવ્યૂ પ્રસિદ્ધ કરતા આ નિવેદન આપ્યું હતું. ક્રિકેટના મૂળ સિદ્ધાંત અનુસાર ક્રિકેટ ૧૧ ખેલાડીઓની રમત છે અને નામ નક્કી થઈ ગયા બાદ એ જ ૧૧ ખેલાડી બેટિંગ અને બોલિંગ કરી શકે છે. સબસ્ટિટ્યૂટ ખેલાડીને બેટિંગ અને બોલિંગ કરવાની મંજૂરી નથી. ફક્ત નિયમિત ખેલાડીના ઈજાગ્રસ્ત થવાની સ્થિતિમાં ફિલ્ડિંગ કરવાની મંજૂરી છે, પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ ચલણને બદલવા ઇચ્છે છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ફિલ હ્યુજના મેદાન પર થયેલી ઈજાને કારણે થયેલા મૃત્યુએ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યાર બાદથી જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ખેલાડીઓને ઈજાથી બચાવવા માટે એક સમીક્ષા કરાવી હતી. સમીક્ષામાં કહેવામાં આવ્યું હતું કે બેટ્સમેન અને નજીકના ફિલ્ડરો માટે હેલમેટનો ઉપયોગ ફરજિયાત કરી દેવો જોઈએ. સાથે એવું સૂચન પણ કર્યું હતું કે મગજની ઈજાના શિકાર ખેલાડીઓના સ્થાને સબસ્ટિટ્યૂટ ખેલાડીને પણ બેટિંગ-બોલિંગ કરવા દેવા જોઈએ. ઓસ્ટ્રેલિયાના ૨૬ ટેસ્ટ રમી ચૂકેલા હ્યુજનું નિધન નવેમ્બર-૨૦૧૪માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર માથામાં બોલ લાગવાથી થયેલી ઈજાને કારણે થયું હતું. ત્યાર બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મામલાની સ્વતંત્ર તપાસ કરાવી હતી.

You might also like