આજે સેમિફાઇનલ માટે ઓસી. સામે ટીમ ઇન્ડિયાની ‘ફાઇનલ’

મોહાલીઃ ગઈ કાલે ઓસ્ટ્રેલિયાએ મોહાલીમાં આઇસીસી ટી-૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવી ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. હવે સેમિફાઇનલમાં પહોંચવા માટે મોહાલીમાં ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતી કાલે રવિવારે મુકાબલો ખેલાશે. ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાને કોઈ પણ સંજોગોમાં હરાવવું પડશે, આથી જ આવતી કાલની મેચ ભારત માટે ‘ફાઇનલ’ જેવી બની રહેશે. આવતી કાલની મેચમાં પણ હંમેશની જેમ ટીમ ઇન્ડિયાનો આધાર સ્પિન બોલિંગ જ બની રહેશે. ભારતીય સ્પિનર્સ પણ શાનદાર ફોર્મમાં છે અને ઓસ્ટ્રેલિયનોને સ્પિન બોલિંગ સામે રમવામાં મુશ્કેલી પડતી હોય છે. કાંગારુંઓની આ જ નબળાઈ પર વાર કરવાની રણનીતિ કેપ્ટન કુલ ધોનીએ ઘડી કાઢી છે.
વિશ્વ કપની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડના બે નવા સ્પિનર ઈશ સોઢી અને મિચેલ સેન્ટનરની સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ‘બિચારા’ સાબિત થયા હતા. સેન્ટનરે ચાર ઓવરમાં ૩૦ રન આપીને બે મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી, જ્યારે સોઢીએ ચાર ઓવરમાં ૧૪ રન આપીને એક વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ સામે ૧૪૩ રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૩૪ રન જ બનાવી શકી હતી.

બાંગ્લાદેશ વિરુદ્ધની બીજી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી, પરંતુ એ મેચમાં પણ સ્પિનર્સને રમવામાં કાંગારું બેટ્સમેનો નિષ્ફળ રહયા હતા. શાકિબ અલ હસને ત્રણ ઓવરમાં ૨૭ રન આપીને ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ઝડપી હતી. ભારત વિરુદ્ધ જાન્યુઆરીમાં રમાયેલી શ્રેણીમાં પણ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને સ્પિનર્સ સામે રમવામાં ખાસ્સી મુશ્કેલી પડી હતી, એ પણ ઓસ્ટ્રેલિયાની ધરતી પર. અશ્વિને ત્રણ ટી-૨૦ મેચમાં બાવીસ રનની સરેરાશથી ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે જાડેજાએ ત્રણ મેચમાં ૧૯ રનની સરેરાશથી પાંચ વિકેટ ઝડપી હતી.
ભારતના સ્પિનર વર્તમાન વિશ્વ કપમાં શાનદાર બોલિંગ કરી રહ્યા છે. જાડેજાએ ત્રણ મેચમાં ચાર વિકેટ અને અશ્વિને પણ ત્રણ મેચમાં ત્રણ વિકેટ ઝડપી છે. ખાસ વાત તો એ છે કે આ બંને બોલર્સનો ઇકોનોમી રેટ છ રનથી પણ ઓછો છે, જે ટી-૨૦ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કહી શકાય. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધોની ફરી એક વાર અશ્વિન અને જાડેજાની જાળ બિછાવશે. આ ઉપરાંત બોલિંગમાં સુરેશ રૈના અને યુવરાજ પણ એક્શનમાં જોવા મળે તેવી શક્યતા છે.

ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે કરો યા મરોનો જંગ જામશે. જો ભારત ઑસ્ટ્રેલિયાને હાર આપે છે તો ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે પરંતુ તેની માટે ભારતને ઑસ્ટ્રેલિયાના મોટા માર્જિનથી માત આપવી પડશે. હાલમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ઘણી ફોર્મમાં ચાલી રહી છે. ભારતીય ટીમના ટોચના બેસ્ટમેન એટલા જોરદાર ફોર્મમાં નથી ચાલી રહ્યા તો સામેની તરફ ઑસ્ટ્રેલિયામાં જેમ્સ ફોક્નર એકદમ ફોર્મમાં છે. ભારતીય ટીમમાં ફક્ત વિરાટ કોહલી સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તો ઑસ્ટ્રેલિયામાં ઓપનર બેટ્સમેન સારો એવો સ્કોર ઉભો કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

ઈમરાન ખાનની ભવિષ્યવાણીઃ ટીમ ઇન્ડિયા વિશ્વ વિજેતા બનશે
વિશ્વ ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર ઈમરાન ખાનની વાત માનીએ તો મહેન્દ્રસિંહ ધોની ફરી એક વાર વિશ્વ વિજેતા બની શકે છે. ઈમરાને કહ્યું, ”ભારત જે રીતે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં રમી રહ્યું છે તેને જોઈને લાગી રહ્યું છે કે ભારત વિશ્વ વિજેતા બનવાનું છે. ૧૯૯૨ના વિશ્વ કપમાં પાકિસ્તાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ અંતમાં ટીમે શાનદાર જીત નોંધાવતા વિશ્વ કપ પોતાના નામે કર્યો હતો. ૧૯૯૯માં ઓસ્ટ્રેલિયા સાથે પણ આવું જ બન્યું હતું.” ન્યૂઝીલેન્ડ સામેની પહેલી જ મેચમાં ભારતના પરાજય અંગે ઈમરાને કહ્યું કે, ”ભલે પહેલી જ મેચમાં ભારતનો પરાજય થયો હોય, પરંતુ હવે ટીમ પોતાના શિખર પર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશ વિરુદ્ધ જે રીતે ટીમને જીત મળી એ સાબિત કરે છે કે ભારત હવે બધી રીતે આગળ વધવા માટે તૈયાર છે.”

You might also like