જીતવા માટે કાંગારુંઓ મેદાનની બહાર વધુ મહેનત કરી રહ્યાં છે

ધર્મશાલાઃ ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણી હવે રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. આવતી કાલથી શ્રેણીની અંતિમ ટેસ્ટ શરૂ થશે અને તેને જીતવા માટે ઓસ્ટ્રેલિયા મેદાન કરતાં વધુ મેદાનની બહાર મહેનત કરી રહ્યું છે. નિશ્ચિત રીતે હજુ સુધી તેઓની માઇન્ડ ગેમ ટીમ ઇન્ડિયા પર ભારે પડી નથી.

ઓસ્ટ્રેલિયા માટે વિશ્વ ક્રિકેટમાં પોતાની ધાક જમાવી રાખવા માટે આ શ્રેણી જીતવી બહુ જ જરૂરી છે. તેઓ આ શ્રેણીનું મહત્ત્વ સમજે છે. ઓસ્ટ્રેલિયા હાલમાં દુનિયામાં બીજા નંબરની ટીમ છે અને જો તે દુનિયાની નંબર વન ટીમ ભારતને હરાવી દે તો નિશ્ચિત રીતે તેઓને બહુ જ ફાયદો થાય તેમ છે. હાલ બંને ટીમ ૧-૧થી બરોબર છે અને અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ રોમાંચક રહી છે. આમાં સ્લેજિંગથી માંડીને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ અને એકબીજાની નકલ પણ ઉતારવામાં આવી છે.

આ શ્રેણીને જીતવાનું ઝનૂન એ હદ સુધી પહોંચી ગયું છે કે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ બેંગલુરુમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ડીઆરએસ લેવા માટે ડ્રેસિંગરૂમ તરફ જોવાનું પણ ચૂક્યો નહોતો એટલું જ નહીં, વિરાટે તેને મેદાનમાં ટોકવાની સાથે પ્રેસ કોન્ફરન્સમાં પણ તેની મજાક ઉડાવી હતી. ત્યારથી ઓસ્ટ્રેલિયાની હાલત કંઈક એવી થઈ ગઈ છે જાણે કે કોઈએ સાપની પૂંછડી પર પગ મૂકી દીધો હોય. ત્યાર બાદી ઓસ્ટ્રેલિયાની ટીમ, તેના ભૂતપૂર્વ ખેલાડીઓ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ અને એટલે સુધી કે ઓસ્ટ્રેલિયન મીડિયા પણ વિરાટને નિશાન બનાવી રહ્યું છે.

માનસિક રીતે બહુ જ મજબૂત ભારતીય કેપ્ટન પર તેની કોઈ અસર નથી પડી. વિરાટે તો એક વાર પ્રેસ કોન્ફરન્સમાં પણ ઓસ્ટ્રેલિયન મીડિયાને ઝાટકી નાખતાં કહ્યું હતું કે તેઓની માઇન્ડ અહીં ચાલવાની નથી. એક કહેવત, ‘ઊલટા ચોર કોતવાલ કો ડાંટે’ સ્મિથના ડીઆરએસ મામલા પર બરાબર બંધ બેસે છે. સ્મિથે બેંગલુરુ ટેસ્ટ દરમિયાન એલબીડબલ્યુ આઉટ થયા બાદ રિવ્યૂ લેવા માટે પોતાના ડ્રેસિંગ તરફ તરફ જોયું હતું. વિરાટે ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સ્મિથે એવું કામ કર્યું છે, જે હું કહી શકું નહીં. વિરાટનો ઇશારો વિશ્વાસઘાત તરફ હતો.

ઓસ્ટ્રેલિયા પોતાના કેપ્ટનને એટલી હદ સુધી બચાવવા ઇચ્છતું હતું કે ત્યાં હાજર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ જેમ્સ સદરલેન્ડે તત્કાળ ઓસ્ટ્રેલિયન મીડિયા સાથે વાત કરી નાખી. ઓસ્ટ્રેલિયન રિપોર્ટરે એ મેચના રેફરી ક્રિસ બ્રોડ સાથે વાત કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયા કોઈ પણ રીતે પોતાના કેપ્ટનનાં કરતૂતને છુપાવવા માટે ભારતીય કેપ્ટનને નિશાન પર રાખવા ઇચ્છતું હતું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની જેમ બીસીસીઆઇ પણ પોતાના કેપ્ટનની સાથે ઊભી છે. હવે જોવાનું એ રહે છે કે આવતી કાલથી ધર્મશાલામાં શરૂ થતી શ્રેણીની અંતિમ ટેસ્ટમાં કોણ સવાયુ સાબિત થાય છે.
http://sambhaavnews.com/

You might also like