ઓસ્ટ્રેલિયાની યજમાની માટે તામિલનાડુ પાસે પૈસા નથી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની ટીમ પાંચ વન ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમવા માટે આગામી મહિને ભારતના પ્રવાસે આવી રહી છે, પરંતુ આ પ્રવાસના પહેલા મુકાબલાની યજમાની કરનારા તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશન (ટીએનસીએ)એ બીસીસીઆઇ પાસે નાણાંની માગણી કરી છે.

ટીએનસીએ દ્વારા બીસીસીઆઇના કરાયેલા ઈ-મેઇલમાં જણાવાયું છે કે, ”ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૭ સપ્ટેમ્બરે પહેલી વન ડે ચેન્નઈમાં રમાવાની છે અને તાજેતરમાં જ અમને તમારા તરફથી જણાવવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ આઠ સપ્ટેમ્બરે જ ચેન્નઈ પહોંચી જશે અને તેમની સુરક્ષા, પ્રવાસખર્ચ અને પ્રેક્ટિસ સેશનની વ્યવસ્થા અમારે કરવાની છે. સામાન્ય રીતે યજમાન રાજ્ય ક્રિકેટ સંઘોએ ત્રણ દિવસ જ મહેમાન ટીમની વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ આ શ્રેણીનો પહેલો મુકાબલો છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ અહીંની પરિસ્થિતિઓમાં ખુદને ઢાળવા માટે વહેલી આવવા ઇચ્છે છે, જોકે હોટલનો ખર્ચ ઓસી. ટીમ જ ઉઠાવશે.

ઓસ્ટ્રેલિયન ટીમને સાચવવા માટે અમારે લગભગ દોઢ કરોડ રૂપિયા ખર્ચવા પડશે અને એમાં મુખ્ય ખર્ચ સુરક્ષાનો છે. અમને હોટલ ખાતે ૨૫-૩૦ પોલીસમેનની જરૂર પડશે. તામિલનાડુ પોલીસ આના માટે અમારી પાસે ચાર્જ લેશે. ટ્રાન્સપોર્ટ, એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ અને પ્રેક્ટિસની સુવિધાઓ માટે પણ ખર્ચ થશે. જીએસટી અને રાજ્યના મનોરંજન કરની સાથે-સાથે ટિકિટના ભાવ ઓછા રાખવાના કારણે અમે મહેમાન ટીમના મેચ પહેલાં થનારા ખર્ચનો ભાર ઉઠાવવામાં અસમર્થ છીએ. અાના માટે બીસીસીઆઇ અમને દોઢ કરોડ રૂપિયા આપે અને બાદમાં અમે તેનો હિસાબ આપી દઈશું.”

લોઢા સમિતિની ભલામણો લાગુ નહીં કરવાના કારણે બોર્ડ તરફથી રાજ્ય સંઘને નાણાં નથી અપાઈ રહ્યાં. ગત ઘરેલુ સિઝનમાં પણ રાજ્ય સંઘ આંતરરાષ્ટ્રીય મેચ આયોજિત કરવા માટે કોર્ટના શરણે ગયા હતા, ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા નાણાંની ફાળવણી કરવામાં આવી હતી.

બીસીસીઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસનના પ્રભુત્વવાળું ટીએનસીએ ભલામણોનો વિરોધ કરનારું મુખ્ય એસોસિયેશન છે. નિશ્ચિત રીતે આ ઈ-મેઇલ બાદ બીસીસીઆઇ સીઈઓ રાહુલ જોહરી અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટદારોની સમિતિની પરેશાની વધી જશે. ટીએનસીએ પોતાના ઈ-મેઇલમાં એવું પણ કહી રહ્યું છે કે કાર્યક્રમના હિસાબથી ઓસ્ટ્રેલિયા અહીં એક પ્રેક્ટિસ મેચ પણ રમવાનું છે, જેનો ખર્ચ બીસીસીઆઇએ એક લાખ રૂપિયા નક્કી કર્યો છે, જોકે ખર્ચ આનાથી ઘણો વધુ થશે. જો તમે અમને દોઢ કરોડ રૂપિયા ફાળવી આપશો તો અમે એ મેચ પણ આયોજિત કરીશું.

You might also like