વિચાર્યું નહોતું કે સ્પિનર્સની દશા આવી થશેઃ ધોની

પર્થઃ ઓસ્ટ્રેલિયા સામે પહેલી વન ડેમાં થયેલા પરાજય અંગે ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. ધોનીએ કહ્યું, ”ક્યારેય વિચાર્યું નહોતું કે આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજા માટે દિવસ આટલો ખરાબ હશે.” ધોનીએ કાંગારું કેપ્ટન સ્ટીવન સ્મિથ અને જ્યોર્જ બેઇલીની પ્રશંસા કરી હતી.

ધોનીએ ગઈ કાલે મેચ પૂરી થયા બાદ કહ્યું, ”મેચ પહેલાં જ્યારે હું જવાબદારી શેર કરવાની વાત કરી રહ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે જ્યારે ફાસ્ટ બોલર્સ માટે કોઇ દિવસ સારો નથી હોતો ત્યારે હું સ્પિનર્સનો ઉપયોગ કરીશ. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે સ્પિનર્સ માટે દિવસ આટલો ખરાબ હશે અને અન્યને આ જવાબદારી નિભાવવી પડશે.”

ધોનીએ કહ્યું, ”ફાસ્ટ બોલર્સે સારી બોલિંગ કરી અને બે વિકેટ ઝડપીને અમને સારી શરૂઆત પણ અપાવી. જ્યારે તમારો સ્કોર મોટો હોય તો તમે આવી જ શરૂઆત ઇચ્છો છો, પરંતુ મારું માનવું છે કે સ્પિનર વધુ સારી બોલિંગ કરી શક્યા હોત.” પદાર્પણ મેચ રમી રહેલા સરન અંગે ધોનીએ કહ્યું કે તેણે સુંદર બોલિંગ કરી. તે બોલને યોગ્ય જગ્યાએ પીચ કરી રહ્યો હતો, જે બહુ જ મહત્ત્વપૂર્ણ છે.

‘DRS ન હોવાને કારણે ભારતને નુકસાન થયું’
ગઈ કાલે ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર જ્યોર્જ બેઇલીએ શાનદાર ૧૧૨ રનની ઇનિંગ્સ રમી, પરંતુ બેઇલી ઇનિંગ્સની શરૂઆતમાં જ વિકેટ પાછળ કેચઆઉટ થઈ ગયો હતો, જોકે વિકેટકીપર ધોની દ્વારા જોરદાર અપીલ ના થવાને કારણે અમ્પાયરે બેઇલીને આઉટ આપ્યો નહીં. આનું નુકસાન ભારતને થયું.

મેચ બાદ પત્રકારોએ પૂછેલા સવાલના જવાબમાં ધોનીએ ડીઆરએસનો મુદ્દો ઉઠાવ્યો હતો. બેઇલીના આઉટ થવાના સવાલ પર કેપ્ટન ધોનીએ કહ્યું, ”મને ડીઆરએસ પર ભરોસો નથી.” જ્યારે પત્રકારોએ ધોનીને પૂછ્યું કે શું ડીઆરએસ ન હોવાથી નુકસાન થયું? ત્યારે ધોનીએ એ બાબતે સંમતિ વ્યક્ત કરીને કહ્યું હતું, ”મેચનું પરિણામ બદલાઈ શક્યું હોત, પરંતુ એની સાથે જ અમે ઇચ્છીએ છીએ કે અમ્પાયર વધુમાં વધુ સાચા નિર્ણયો કરે. જો એ સમયે બેઇલી આઉટ થઈ ગયો હોત તો કદાચ અમે મેચ જીતી શક્યા હોત.” ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇ ડીઆરએસનો વિરોધ કરતું રહ્યું છે, આથી ભારતની મેચોમાં આ સિસ્ટમ લાગુ નથી થતી.

You might also like