એલિયનનાં ઈંડાંમાંથી ખીલતું ફૂલ?

ઇંગ્લેન્ડની દક્ષિણે રહેતી ડાન હોઆરે નામની વનસ્પતિ સંરક્ષક વિજ્ઞાની ન્યૂ ફોરેસ્ટ નામના વનમાં ફરતી હતી ત્યારે જેલીથી બનાવેલ ઈંડા જેવો દડો જોયો. એની અંદર લાલ-કાળા ચટ્ટક રંગનું કશુંક હતું. ડાને એનો ફોટોગ્રાફ લઈ લીધો અને ટ્વિટર ઉપર મૂકી દીધો. લોકો આ અજાયબ ચીજ જોઈને કોમેન્ટ કરવા લાગ્યા. આ એલિયન છે?

અભ્યાસ કરતાં ખબર પડી કે, એ જવલ્લે જ જોવા મળતી લાકડાના કારણે થતી એક જાતની ફૂગ છે. તે ડેવિલ્સ ફિન્ગર, ઓક્ટોપસ સિન્કહોર્ન વગેરે નામથી ઓળખાય છે.

રોયલ બોટાનિક ગાર્ડન્સના નિષ્ણાતોએ જણાવ્યું કે, આ વનસ્પતિ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની હતી. તે બ્રિટનમાં સૌપ્રથમ પેન્ઝાન્સ ખાતે દેખાઈ હતી. ત્યાર પછી અનેક ભાગોમાં જોવા મળે છે. તેમાંથી સડેલા માંસની ગંધ આવે છે અને ચીકણો બદામી પદાર્થ નીકળે છે. પછીથી પાંખડીઓ પણ ખીલે છે.

અમુક પ્રકારની માખીઓ મૃત્યુ પામેલા શબ સડવા લાગે ત્યારે તેની ઉપર આવીને ઈંડાં મૂકે છે. એટલે આ વનસ્પતિની ગંધથી માખીઓ આકર્ષાઈ આવે છે અને આ ફૂલ પર બેસે છે. એ રીતે આ વનસ્પતિની પરાગરજ આસપાસ ફેલાતી રહે છે.

You might also like