ઔરંગાબાદ-હૈદરાબાદ ટ્રેનના બે ડબા અને એન્જિન ઊથલી પડ્યા

બેંગલુરુ: કર્ણાટકના કલ્ગુપુર અને ભાલકી રેલવે સ્ટેશન વચ્ચે આજે સવારે હૈદરાબાદ- ઔરંગાબાદ પેસેન્જર ટ્રેનના એન્જિન અને બે ડબા પાટા પરથી ઊથલી પડતાં એક વધુ રેલ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત કર્ણાટકના બીદર પ્રદેશ નજીક થયો હતો. સમાચાર સંસ્થા એએનઆઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અકસ્માતની તસવીરો પોસ્ટ કરી છે, જેમાં રેલવે એન્જિન અને બે ડબા પાટા પરથી નીચે ઊથલી પડેલાં દેખાય છે. આ અકસ્માતમાં ૧૦ લોકો ઘાયલ થયા હતા. તેમને ભાલકી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ અકસ્માત રાત્રે ૨.૦૦ વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માતની જાણ થતાં અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ અકસ્માતની માહિતી માટે હેલ્પ લાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. હૈદરાબાદ માટે ૦૪૦૨૩૨૦૦૮૬૫, પાર્લી માટે ૦૨૪૪૬૨૨૩૫૪૦, વિક્રાબાદ માટે ૦૮૪૧૬૨૫૨૦૧૩ અને બીદર માટે ૦૮૪૮૨૨૨૬૩૨૯ હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે.

ઔરંગાબાદ-હૈદરાબાદ પેસેન્જર ટ્રેન તાજેતરમાં જ થયેલી ટ્રેન દુર્ઘટનાનો સૌથી મોટો મામલો છે. આ મહિને રાજ્યરાની એક્સપ્રેસના આઠ ડબા ઉત્તર પ્રદેશના રામપુર નજીક પાટા પરથી ઊથલી પડ્યા હતા, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
http://sambhaavnews.com/

You might also like