ઓગસ્ટા ડીલમાં ધડાકોઃ એક રાજકીય પરિવારને રૂ.૧૧પ કરોડની લાંચ ચૂકવાઇ

નવી દિલ્હી: ભારતના સૌથી વગદાર રાજકીય પરિવારોમાંથી એક પરિવારને ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાને પાર પાડવા માટે રૂ.૧૧પ કરોડ (૧.૬ કરોડ યુરો)ની લાંચ આપવામાં આવી હતી એવો ચોંકાવનારો પર્દાફાશ આ સોદાના મુખ્ય વચેટિયા અને બ્રિટનના શસ્ત્ર સોદાગર ક્રિશ્ચિયન મિશેલની એક સિક્રેટ નોટ પરથી થયો છે.

ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી ચોપર ડીલ યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન થઇ હતી. ઇન્ડિયા ટુડે ટીવી ચેનલ પાસે મિશેલના હાથથી લખવામાં આવેલી આ સિક્રેટ નોટસ ઉપરાંત ઇ-મેઇલ પણ ઉપલબ્ધ છે. તેના પરથી જાણી શકાય છે કે વીવીઆઇપી ચોપર ડીલ કૌભાંડને કઇ રીતે અંજામ આપવામાં આવ્યો હતો. આ ડીલના મુખ્ય સૂત્રધાર અને માસ્ટર વચેટિયા મિશેલે ખૂબ જ સાવધાની અને સતર્કતાથી આ નોટસ સાચવીને રાખી હતી. તેનાથી એવા ચોંકાવનારા પુરાવા મળે છે કે કઇ રીતે પરદા પાછળ રહીને વચેટિયાઓએ મનમોહનસિંહ સરકારના કાર્યકાળ દરમિયાન રૂ.૩૬૦૦ કરોડના કોન્ટ્રાકટને વાસ્તવિક સ્વરૂપ આપ્યું હતું.

મનમોહનસિંહ સરકારે આ કોન્ટ્રાકટ પર ર૦૧૦માં સહી કરી હતી. મિશેલની આ નોટસને ઇટાલીની પોલીસે જપ્ત કર્યા બાદ સીબીઆઇને સોંપી દેવામાં આવી હતી. તેના પરથી જાણ થાય છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડની અસલ કંપની ફીનમેકેનિકાએ રૂ.૩૭૩ કરોડ (પ.ર કરોડ યુરો)નું બજેટ ભારતમાં ડીલને અંજામ આપવા માટે લાંચ તરીકે આપવા રાખ્યું હતું. આ લાંચ ભારતમાં એ લોકોને આપવાની હતી જેમની પાસે આ ડીલ અંગે નિર્ણય લેવાની સત્તા હતી.

ફેકસ અને ઇ-મેઇલ દ્વારા માહિતીની આપ લે થતી હતી
ફીનમેકેનિકાએ ભારતમાં સોદો કરવા માટે મિશેલની જ દલાલ તરીકે પસંદગી કરી હતી. મિશેલ નિયમિત રીતે યુરોપમાં બેઠેલા પોતાના આકાઓએ ભારતમાં થઇ રહેલી પ્રત્યેક પ્રવૃત્તિ અંગે જાણ કરતો હતો. મિશેલની નોટ પરથી જાણવા મળે છે કે તે એક અને કહેવાતા વચેટિયા ગાઇડસ હશકેની સાથે પણ રદ થયેલા હ‌ેેલિકોપ્ટર કોન્ટ્રાકટ અંગે સતત સંપર્કમાં હતો.

સીબીઆઇના ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે તમામ માહિતીની ફેકસ અને ઇ-મેઇલ દ્વારા આપ-લે થતી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મિશેલની ડાયરીમાં જે હકીકતો હતી તેનું સમર્થન સીબીઆઇએ મિશેલના સેક્રેટરી દ્વારા કર્યું હતું. સેક્રેટરી સ્વયંએ કેટલીક કન્ટેન્ટ ટાઇપ કરી હતી. ૧પ માર્ચ ર૦૦૮ની એક એન્ટ્રીમાં મિશેલે ભારતના ટોચના નેતાઓનાે નામોલ્લેખ કર્યો હતો. જેઓ સરકારી હોદ્દાઓ ઉપરાંત સરકારની બહાર પણ હતા. એક પત્રમાં લખ્યું છે કે વીઆઇપીની પાછળ ડ્રાઇવિંગ ફોર્સ શ્રીમતી ગાંધી છે. જેઓ હવે એમઆઇ-૮માં ઉડાન નહીં ભરે. મિશેલે એક પરિવાર માટે અલગથી ૧.પથી ૧.૬ યુરોની જોગવાઇ કરવા કહ્યું હતું કે સાથે એપી માટે ૩૦ લાખ યુરો અલગ રાખવા વાત કરી હતી. જોકે મિશેલે આ પરિવાર કોણ છે? અને એપી કોણ છે? એ વાતની સ્પષ્ટતા કરી ન હતી.

http://sambhaavnews.com/

You might also like