અગસ્ટા કૌભાંડઃ એક રાજકીય પરિવારના લોકો તપાસના દાયરામાં

નવી દિલ્હી: ચકચારી અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ મામલે એક રાજકીય પરિવાર સાથે સંકળાયેલા લોકો સીબીઆઈની તપાસના દાયરામાં આવી ગયા છે. સીબીઆઈને આ મામલે ઈટાલીથી જે પુરાવા મળ્યા છે તેમાં રાજકારણ સાથે સંકાળાયેલા કેટલાક લોકોનાં નામ બહાર આવ્યાં છે.

આ કૌભાંડ મામલે સીબીઆઈને ઈટાલીથી જે માહિતી મળી છે તેના આધારે સીબીઆઈ સીઆરપીસી કલમ-૧૬૬ હેઠળ પુરાવા તરીકે ઉપયોગ કરશે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે અમે તમામ પાસાંઓ અંગે તપાસ કરી રહ્યા છીએ. અમે આ કેસમાં એવા લોકોની પૂછપરછ કરીશું કે જેમના નામનો ઉલ્લેખ ઈટાલીની કોર્ટમાં થયેલી સુનાવણીમાં થયો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર ઈટાલીમાં આ કેસની સુનાવણી દરમિયાન હાથથી લખાયેલી એક નોટ પ્રો‌િસક્યુશને રજૂ કરી હતી, તેમાં ૧૫ શબ્દ લખ્યા હતા. તેમાંથી કેટલાંક નામ ભારતમાં રાજકારણ સાથે સંકળાયેલા લોકોના હતા. તેના આધારે સીબીઆઈ હવે આ મામલે કોને કોને પૈસા મળ્યા હતા? તેની તપાસ હાથ ધરશે.

તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ આ મામલે ક્રિસ્ટન માઈકલ સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે. તેમને આશા છે કે તેઓ આ ઝડપથી તેની પૂછપરછ કરી શકશે. માઈકલ સામે અગાઉ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી ચૂકી છે. એક અધિકારીએ જણાવ્યું કે માઈકલની પૂછપરછ કરવાથી સ્પષ્ટ થઈ જશે કે આ મામલે કોને કોને કેટલા પૈસા આપવામાં આવ્યા હતા? હાલ સીબીઆઈ આ અંગે વધુ કડી મેળવવા તપાસ કરી રહી છે.
http://sambhaavnews.com/

You might also like