ઓગસ્ટ એક્સપાયરી અને GDP ડેટા પર બજારની નજર

શેરબજાર ગુરુવારે છેલ્લે સાધારણ સુધારે બંધ જોવાયું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૮ પોઈન્ટના સુધારે ૩૧,૫૯૬, જ્યારે એનએસઇ નિફ્ટી ચાર પોઇન્ટના સુધારે ૯૮૫૭ પોઇન્ટના મથાળે બંધ જોવાઇ હતી. સપ્તાહ દરમિયાન શેરબજાર સાધારણ ૦.૩ ટકાના સુધારે બંધ જોવાયું છે. શેરબજાર ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં પ્રવેશી રહ્યું છે ત્યારે આગામી સપ્તાહે બજારની નજર ઇન્ફોસિસ પર રહેશે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે કંપનીમાં નંદન નિલેકણી પાછા ફર્યા છે ત્યારે આ કંપનીના શેર ઉપર તેની સકારાત્મક ચાલ જોવાઇ શકે છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે ઓગસ્ટ એક્સપાયરી છે ત્યારે તેની અસર શેરબજાર ઉપર નોંધાઇ શકે છે. બજારમાં બંને તરફની વધઘટ નોંધાઇ શકે છે. છેલ્લે નિફ્ટી ૯૮૫૦ની સપાટીની ઉપર ૯૮૫૭ની સપાટીએ બંધ જોવાઇ છે તે એક સકારાત્મક સંકેત ગણાવી શકાય. નિફ્ટીએ ૯૮૫૦નું સપોર્ટ લેવલ બનાવ્યું છે. જો આ સપાટી તોડે તો નિફ્ટી ૯૮૦૦ની સપાટીએ જોવાઇ શકે છે.

જીએસટીનું પ્રથમ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૨૫ ઓગસ્ટ હતી, જેનો રિપોર્ટ આગામી સપ્તાહે આવશે. બજારની નજર તેના ઉપર રહેશે એટલું જ નહીં, નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના એપ્રિલથી જૂન મહિનાના ત્રિમાસિક સમયગાળાના જીડીપી ડેટા ૩૧મીએ જાહેર થશે. શેરબજાર માટે આ ડેટા મહત્ત્વના સાબિત થઇ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શેર બજારમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ જોવાઇ શકે છે.

નિફ્ટીમાં ૧૦૦ પોઇન્ટની વધઘટ બંને તરફ નોંધાઇ શકે છે. વૈશ્વિક શેર બજારમાં જોવા મળી રહેલા સેન્ટિમેન્ટના પગલે બજારમાં મોટા સુધારાની શક્યતા ખૂબ જ ઓછી છે.જોકે આ તમામ સ્થિતિ વચ્ચે શેર બજારમાં નાણાકીય પ્રવાહિતા ઊંચી છે તે પોઝિટિવ સાઇન છે.

You might also like