ઔડામાં પ્રથમ વાર કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે

અમદાવાદ: ગઇ કાલે સવારે ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલા ઔડાના બોર્ડમાં ઔડામાં વિવિધ પ્રોજેક્ટોના સરળ અમલીકરણ માટે ખાસ કન્સલ્ટન્ટ નીમવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. ઔડામાં પ્રથમ વાર કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે.

ઔડામાં ત્રણેક વર્ષ પહેલાં બી. આર. દોશી નામના કાર્યપાલક ઇજનેર નિવૃત્ત થયા બાદ તેમને કોન્ટ્રાક્ટ પર રખાયા હતા. આ ઉચ્ચ અધિકારીના અનુભવનો નિચોડ વિવિધ પ્રોજેક્ટોમાં ઔડા લેતું રહ્યું હતું. દરમિયાન અત્યારના કાર્યપાલક ઇજનેર એ. કે. પાઠક સેવા નિવૃત્ત થતાં અનુભવી અધિકારીના મામલે ઔડામાં શૂન્યાવકાશ છવાયો છે. ઔડાના સત્તાવાળાઓએ હવે કોન્ટ્રાક્ટ આધારિત કોઇ અધિકારીની સેવા લેવાને બદલે કન્સલ્ટન્ટની સીધી નિમણૂક પર વધારે ભાર આપ્યો છે.

ગઇ કાલે મળેલા ઔડાના બોર્ડ એજન્ડામાં કન્સલ્ટન્ટ તરીકે નિવૃત્ત ચીફ ઇજનેર, સુપરિન્ટેન્ડેન્ટ ઇજનેર કે એક્ઝિકયુટિવ ઇજનેરની સેવાની આવશ્યકતા પર ભાર મૂકતી દરખાસ્ત મંજૂરી માટે મુકાઇ હતી. આ દરખાસ્ત મુજબ કન્સલ્ટન્ટ અને સલાહકારની નિમણૂકના કરાર કરવાની સત્તા તેમજ આવા કરાર માટેની સમયમર્યાદા તથા કરાર સંદર્ભે કરવાની થતી નાણાકીય ચુકવણીઓનો નિર્ણય કરવાની સત્તા ચેરમેન ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય કારોબારી અધિકારી એ. બી. ગોરને આપવાના ઠરાવને બોર્ડમાં સર્વાનુમતે મંજૂરી અપાઇ છે.

ઔડાનાં સૂત્રો કહે છે કે સત્તામંડળે લીલી ઝંડી આપેલા કન્સલ્ટન્ટની દરખાસ્તો રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયમાં મોકલી અપાઇ છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ઔડામાં કન્સલ્ટન્ટ તરીકે સેવા આપવા માગતા કોઇ સેવા નિવૃત્ત અધિકારીના નામ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.
http://sambhaavnews.com/

You might also like