ઔડાના ચેરમેનની ચેમ્બર ત્રીજા માળે લઈ જવામાં આવી

અમદાવાદ: અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઔડાની આશ્રમરોડના ઉસ્માનપુરા ખાતેના સરદાર પટેલ ભવનમાં ધમધમતી ઓફિસના ત્રીજા માળે ઔડાના ચેરમેનની ચેમ્બર લઈ જવાઈ છે. હવે ચેરમેન પોતાની નવી ચેમ્બરમાં મુલાકાતીઓને મળી રહ્યા છે.

તા. ૧ જાન્યુઆરી, ૨૦૧૫થી ઔડાના ચેરમેનપદે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક કરાઈ છે. અગાઉના ચેરમેન ધર્મેન્દ્ર શાહની જેમ ભૂપેન્દ્ર પટેલ પણ સરકાર નિયુક્ત લોકપ્રતિનિધિ તરીકે ચેરમેનની ફરજ નિભાવી રહ્યા છે. અત્યાર સુધી ઔડાના રપમા ચેરમેન ભૂપેન્દ્ર પટેલ પૂર્વ ચેરમેનની પહેલા માળે આવેલી ચેમ્બરમાં બેસીને ઔડાની કામગીરી સંભાળવાના હતા.

પરંતુ સરદાર પટેલ ભવનના ત્રીજા માળે તેમની રૂ. ૧૯.૬૬ લાખના ખર્ચે નવી ચેમ્બરનું નિર્માણ થતાં તેમણે ગત તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૧૬થી નવી ઓફિસથી પોતાની કામગીરીનો શુભારંભ કર્યો હતો, જોકે તેઓ છેલ્લા આઠેક િદવસથી નવી ચેમ્બરમાં નિયમિત રીતે બેસતા થયા છે.

ભૂપેન્દ્ર પટેલની નવી ચેમ્બર તૈયાર કરવાની મંજૂરી ગત ત. ૩૦ એપ્રિલ, ૨૦૧૫એ અપાઈ હતી. આ માટેના ટેન્ડરમાં ફક્ત બે એજન્સીએ રસ દાખવતાં ચેરમેનની સૂચનાથી સ્પર્ધાત્મક ભાવ મેળવવા ફરીથી ટેન્ડર પ્રસિદ્ધ કરાયાં હતાં. છેવટે અંદાજથી ૧૮ ટકા ઓછા ભાવના ટેન્ડરને મંજૂરી અપાઈ હતી તેમજ તેનો વર્કઓર્ડર કોન્ટ્રાક્ટરને ગત તા. ૯ ઓગસ્ટ, ૨૦૧૬એ અપાયો હતો તેમ જણાવતાં ઔડાનાં સૂત્રો વધુમાં કહે છે, ”ચેરમેનની ઓફિસ’ સેન્ટ્રલ એસી’ જેવી ઝાકમઝોળ ધરાવતી નથી. ઉપરાંત મુલાકાતીઓ માટે બે-બે લિફ્ટ હોઈ વરિષ્ઠ નાગરિકો સહિતના સઘળા મુલાકાતી લિફ્ટ દ્વારા ત્રીજા માળે આવી શકે તેમ છે. કોર્પોરેશનમાં પણ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, પક્ષના નેતાની ચેમ્બર મ્યુનિસિપલ મુખ્યાલયના ત્રીજા માળે છે.
http://sambhaavnews.com/

You might also like