ઔડાના તમામ પ્રોજેક્ટ્સનું સ્ટેટસ ઓનલાઈન જાણી શકાશે

અમદાવાદ: અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના સત્તાવાળાઓ દ્વારા ઔડા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકારનાં વિકાસ કામો હાથ ધરાયાં છે. આ સઘળાં વિકાસ કામો કે પ્રોજેકટનું વર્તમાન ‘સ્ટેટસ’ જાણવામાં સામાન્ય લોકોને પણ રસ હોય છે. જે તે પ્રોજેકટ કયારે શરૂ થયો, કેટલાં નાણાં ખર્ચાશે અને ક્યારે તે લોકોપયોગી થશે તેવા જનમાનસમાં ઊઠતા પ્રશ્નોના હવે ઓનલાઇન ઉત્તર ઉપલબ્ધ થયા છે. આ માટે ઔડાએ ‘પ્રગતિ’ ઓનલાઇન ટ્રેકિંગ સિસ્ટમ અમલમાં મૂકી છે.

ગત તા.૩૦ એપ્રિલ, ર૦૧૭એ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઔડાની ‘પ્રગતિ’ ઓનલાઇન ટ્રેકિંગ સિસ્ટમનું વિધિવત્ ઉદ્ઘાટન કરાયું હતું. ઔડાની વેબસાઇટ www.auda.org.in મારફતે લિંક આપીને વહીવટી તંત્રે ઔડાના તમામ પ્રોજેકટની ડિજિટાઇઝડ માહિતી નાગરિકોને પૂરી પાડી છે તેમ ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ કહે છે.

ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ વધુમાં કહે છે ‘પ્રગતિ’ એપથી પ્રોજેકટ સંબંધિત તમામ માઇલસ્ટોન અને તમામ પેરામીટર્સને રિયલ ટાઇમના કન્સેપ્ટ સાથે મોનિટરિંગ અને ટ્રેક કરવા રોડ, બ્રિજ, હાઉસિંગ, ડ્રેનેજ, ગાર્ડન, પબ્લિક ઇન્ટરફેસ તેમજ કોમન સહિતનાં વિવિધ મોડ્યુલ્સ કાર્યરત કરાશે. હાલના તબક્કે રોડ, બ્રિજ અને હાઉસિંગ પ્રોજેકટ માટેનાં મોડ્યુલ કાર્યરત કરાયાં છે.

‘પ્રગતિ’ ઓનલાઇન પ્રોજેકટ ટ્રેકિંગ સિસ્ટમનાં તમામ મોડ્યુલમાં જે તે પ્રોજેકટ ડિટેઇલ, કન્સલ્ટન્ટ ડિટેઇલ, ટેન્ડર ડિટેઇલ, પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન, બિલિંગ અને પેમેન્ટ ડિટેઇલ, ટેસ્ટિંગ રિપોર્ટ ડિટેઇલ સહિત તમામ જરૂરી ડોક્યુમેન્ટસ, નકશાઓની ડિજિટાઇઝડ કોપી, પ્રોજેકટની ફિઝિકલ પ્રોગ્રેસના ફોટાગ્રાફ વગેરે જાણી શકાશે તેમ પણ ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ વધુમાં કહે છે.
http://sambhaavnews

You might also like