ઔડા અમદાવાદના પનોતા પુત્રને ભૂલી રહ્યું છે!

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજનું નામકરણ ભારતના અવકાશ વિજ્ઞાનના સ્વપ્નદ્રષ્ટા અને અમદાવાદના પનોતા પુત્ર ડૉ. વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં કરવામાં આવેલું છે. આમ પણ આ વિક્રમ સારાભાઈએ ગુજરાત તથા ભારતને આપેલાં ભેટરૂપી સંસ્થાનો આઈઆઈએમ, અટીરા તેમજ પીઆરએલ આ વિસ્તારમાં જ આવેલાં છે.

આ વિસ્તારમાં તૈયાર થયેલા બ્રિજને ડૉ. વિક્રમ સારાભાઈનું નામ આપવું એ આવકારદાયક બાબત છે, પરંતુ હાલમાં બ્રિજની એક બાજુ ડૉ. વિક્રમ સારાભાઈના નામની તકતી જડેલી છે જ્યારે બ્રિજની બીજી તરફ રહેલી તકતી નથી. ડૉ. વિક્રમ સારાભાઈના પ્રદાનરૂપ સંસ્થાઓ જે વિસ્તારમાં છે ત્યાં જ આવી પરિસ્થિતિ કેટલી હદે યોગ્ય છે?

આ બ્રિજ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ‘ઔડા’ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હોઈ આ મુદ્દે ઔડાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એવો પ્રતિસાદ મળ્યો કે બ્રીજની દેખરેખ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે.

આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી ઈજનેર મહેશ બારોટને પૂછતાં તેમણે તો હદનો વિવાદ ઊભો કરી દીધો. તેમણે કહ્યું, “આ બ્રિજ નવા પશ્ચિમ ઝોન કે બ્રિજ વિભાગમાં હોય તેવું અનુમાન છે, આથી તમે ત્યાં સંપર્ક કરી શકો છો.” બ્રીજ કયા વિભાગ હેઠળ આવે છે તે બાબતે અધિકારીઓમાં જ આટલી પળોજણ હોય તો પછી તકતીની તો વાત જ શું કરવી?

You might also like