અસંખ્ય સ્નૉ બોલે જમાવ્યું આકર્ષણ

રશિયામાં આવેલું સાઇબીરિયા વિશ્વનો સૌથી ઠંડો પ્રદેશ છે. સાઇબીરિયામાં ન્યાડા ગામ આવેલું છે. આ ગામનો સમુદ્રકિનારો છેલ્લા કેટલાક દિવસથી ભૌગોલિક કારણસર ચર્ચામાં છે. આર્કટિક સમુદ્રને કિનારે આવેલા આ ગામના કાંઠે છેલ્લા કેટલાક દિવસોથી અસંખ્ય સ્નૉ બોલ જોવા મળી રહ્યા છે.

આ ઘટનાએ ગામલોકો સહિત સાઇબીરિયાના લોકોમાં ઉત્સુકતા જન્માવી છે. ગામના લોકોનું કહેવું છે કે તેમણે પહેલી વાર આ પ્રકારની ઘટના નિહાળી છે. વાસ્તવિકતા એ છે કે બરફના ટુકડા પવન અને પાણીને કારણે એકબીજા સાથે અથડાઇ અથડાઇને જોડાઇ ગયા અને સ્નૉ બોલમાં ફેરવાઇ ગયા. ટેનિસ બોલ જેવડા અને તેનાથી મોટી સાઇઝના સ્નૉ બોલ ન્યાડાના સમુદ્રકિનારે અડિંગો જમાવીને બેઠા છે.

પ્રવાસીઓ આ સ્નૉ બોલના ફોટા પાડવા અને ફોટા પડાવવા માટે ન્યાડા ગામની મુલાકાત લઇ રહ્યા છે. અગાઉ વર્ષ ૨૦૧૪માં ફિનલેન્ડના અખાતમાં અને વર્ષ ૨૦૧૫માં મિશિગન સરોવર ખાતે આ પ્રકારની ઘટના બની હતી.

You might also like