પૈસાની લેતીદેતી મામલે બે યુવકો પર તલવાર વડે હુમલો

અમદાવાદ: શહેરના નિકોલ રોડ પર આવેલા ખોડિયારનગર પાસે ગત મોડી રાત્રે પૈસાની લેતીદેતી મામલે બે શખસો પર ચાર શખસોએ તલવાર વડે હુમલો કર્યો હતો. બે વ્યક્તિઓને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખોડિયારનગરના સિદ્ધરાજ ફલેટ ખાતે જસબીરસિંહ દેવીસિંહ ચૌહાણ થોડા સમય અગાઉ ઓઢવના અંબિકાનગર ખાતે રહેતા અશોકભાઈ ગોસ્વામી અને હરિહર ઉદયભાણને રૂ.૧.૫૦ લાખ આપ્યા હતા. જસબીરસિંહે ઉછીના આપેલા રૂપિયા અશોકભાઈને ત્યાં ઘરે લેવા જતા હતા. દરમિયાનમાં ગઈ કાલે જસબીરસિંહ તેઓના ત્યાં પૈસાની ઉઘરાણી કરવા ગયા હતા. જ્યાંથી તેઓ ઘરે પરત ફર્યા ત્યારે અશોક અને હરિહર અન્ય બે શખસો સાથે ત્યાં આવ્યા હતા અને વારંવાર કેમ પૈસાની ઉઘરાણી કરે છે તેમ કહી ઝઘડો કરી માર માર્યો હતો. જેમાં વચ્ચે હરપાલસિંહ છોડાવવા પડતા તેના પર પણ આરોપીઓએ તલવાર વડે હુમલો કરતા તેઓ ગંભીર ઈજા થઈ હતી. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like