નાસિકના કપાલેશ્વર મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર તૃપ્તિ દેસાઈ પર હુમલો

નાસિક: ભૂમાતા બ્રિગેડનાં અધ્યક્ષા તૃપ્તિ દેસાઈએ મહારાષ્ટ્રના નાસિક સ્થિત કપાલેશ્વર મંદિરના ગર્ભ ગૃહમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યા બાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધાં હતાં અને આજે સવારે તેમને છોડી મૂક્યા બાદ તેઓ જ્યારે પુણે જઈ રહ્યાં હતાં ત્યારે તેમના પર હુમલો થતાં તેમને ઘાયલ અવસ્થામાં નાસિકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ હુમલામાં તેમની કારને પણ નુકસાન પહોંચ્યું છે. તૃિપ્ત દેસાઈ કપાલેશ્વર મંદિરના ગર્ભ ગૃહમાં પૂજા કરવા નાસિક જઈ રહ્યાં હતાં ત્યારે તેમને સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

હોસ્પિટલમાં દાખલ કરાયેલા તૃિપ્ત દેસાઈએ જણાવ્યું છે કે એક સાજિશ હેઠળ મારા પર હુમલો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કપાલેશ્વર મંદિરના ગર્ભ ગૃહમાં મહિલા અને પુરુષ બંનેના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ વાતનો વિરોધ કરવા ભૂમિતા બ્રિગેડના પ્રમુખ તૃપ્તિ દેસાઈ કેટલાક મહિલા સમર્થકો સાથે મંદિર પહોંચ્યાં હતાં.

તૃપ્તિએ મહિલાઓ સાથે ફરીવાર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા, મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓએ ‘બમ બમ ભોલે’ના ઉદ્ઘોષ સાથે સખત વિરોધ કર્યો હતો. મંદિરમાં થયેલી અફરાતફરીનો ફાયદો ઉઠાવીને કોઈએ તૃપ્તિ દેસાઈ પર ચંપલ પણ ફેંક્યાં હતાં. આ કારણસર મંદિર સંકુલમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તૃપ્તિ દેસાઈ અને તેમના સંગઠનની મહિલાઓને બહાર કાઢ્યાં હતાં અને કસ્ટડીમાં લીધાં હતાં.

રાત્રે પોલીસ સ્ટેશનમાં રાખ્યા બાદ આજે સવારે તેમને છોડી મુકવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનથી મુક્ત થયા બાદ તૃપ્ત દેસાઈ કેટલીક મહિલાઓ સાથે પુણે જવા રવાના થયાં હતાં ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ તેમની કાર પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં તૃપ્તિને નજીવી ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ કેસમાં એક ડઝન જેટલા અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

You might also like