ચાણક્યપુરીમાં કારમાં જતા યુવકોનો કોન્સ્ટેબલ પર ગુપ્તીથી હુમલો

અમદાવાદ: એક સમય હતો જ્યારે પોલીસનું નામ સાંભળતાંની સાથે ભલભલા ખૂંખાર આરોપીઓ ફફડી ઊઠતા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે, પ્રજાને જાણે પોલીસનો કોઇ ડર નથી રહ્યો તેમ ખુલ્લેઆમ પોલીસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે.

આવી જ એક ઘટના મોડી રાતે ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે બની છે, જ્યાં મહારાષ્ટ્ર પા‌િસંગની કારનું ચે‌િકંગ કરતી વખતે એક માથાભારે શખસે કોન્સ્ટેબલ પર ગુપ્તી વડે હુમલો કર્યો હતો.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર સોલા પોલીસ સ્ટેશનમાં મનુભાઇ નારણભાઇ તેમજ કનુુભાઇ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગઇ કાલે મોડી રાત્રે બંને જણા સોલા તેમજ ચાણક્યપુરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચાણક્યપુરી પાસે આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે એક મહારાષ્ટ્ર પા‌િસંગની એસેન્ટ કાર ઊભી હતી.

એસેન્ટ કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હતી જ્યારે કારની પાછળ નંબર પ્લેટ હતી નહીં. બંને પોલીસ કર્મચારીઓને શંકાસ્પદ કાર લાગતાં જીપને કાર નજીક લઇ ગયા હતા. કોન્સ્ટેબલ મનુભાઇએ કારમાંથી ચાર શખસને બહાર કાઢ્યા હતા. ચાર શખસ પૈકી બે શખસ મહાવીર અને પાર્થ ચાણક્યપુરીના રહેવાસી છે.

મનુભાઇએ મહાવીર પાસે કારનાં કાગ‌િળયાં માગ્યાં હતાં, જોકે કારના કાગળ નહીં મળતાં બંને વચ્ચે તૂ તૂ મૈં મૈં થઇ હતી. ચાર શખસની અટકાયત કરી કારને સોલા પોલીસ સ્ટેશન લઇ જવા માટે મનુભાઇએ કનુભાઇને આદેશ કર્યાે હતાે. કનુભાઇ ગાડી ચલાવવા માટે ડ્રાઇવર સીટ પર બેઠા ત્યારે મહાવીરે તેમના ઉપર હુમલો કર્યો હતો.

કારનો દરવાજો ખોલી મહાવીરે ડ્રાઇવર સીટની નીચે પડેલી ગુપ્તી કાઢી હતી અને કનુભાઇને મારવાની કો‌િશશ કરી હતી. દરમ્યાનમાં મનુભાઇએ ગુપ્તી પકડી લેતાં તેમના હાથમાં ગંભીર ઇજાઓ થઇ હતી. મનુભાઇ અને કનુભાઇએ બૂમાબૂમ કરતાં ચારેય શખસ ફરાર થઇ ગયા હતા.

ઇજાગ્રસ્ત મનુભાઇએ જણાવ્યું છે કે મહાવીર અવારનવાર પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરે છે. ૩૧ ડિસેમ્બરના રોજ સોલા પોલીસ સ્ટેશનના પીએસઓ તેમજ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઇ સાથે પણ માથાકૂટ કરીને પોલીસ સ્ટેશન માથે લીધું હતું.

You might also like