વિસાવદરમાં સ્વામી પર હુમલો, સ્વામિનારાયણ સંપ્રદાય રોષે ભરાયો, કોંગ્રેસ પર કર્યાં આક્ષેપો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં માત્ર 24 કલાક જ બાકી રહ્યા છે ત્યારે બીજેપી અને કોંગ્રેસમાં એકબીજા પર જીવલેણ હુમલા સુધીની ઘટના બનતા તંત્રની ઊંઘ હરામ થઇ ગઈ છે, એવામાં સત્તા માટે ધર્મના અનુયાયીઓ પર પણ હુમલો થતાં સ્વામીનારાયણ સંપ્રદાયના લોકો પણ રોષે ભરાયા છે.

ગુરુવારે વિસાવદરના મોટા કોટડાથી સભા કરી પરત ફરી રહેલા સ્વામી ભક્તિપ્રસાદજી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં સ્વામીને ઈજા થઈ હતી. ઈજા બાદ સ્વામીજીને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરાયા હતા.

આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કોંગ્રેસ પર સીધો આરોપ લગાવતાં આ મામલે રાજકારણ પણ ઘૂસી ગયું છે. સંતોએ આ ઘટનાની ટીકા કરતાં કોંગ્રેસ પર પ્રહાર કર્યાં છે અને ધર્મના અનુયાયી પર થયેલ આ હુમલા અંગે પોલીસ સત્વરે પગલા લે તેવી માગણી પણ કરી છે.

બીજી તરફ વિસાવદર બેઠકના બીજેપીના ઉમેદવાર કિરીટ પટેલે આ ઘટનાને નિંદનીય ગણાવી છે અને કોંગ્રેસના આવા કૃત્યની નીંદા કરી છે. જયારે કોંગ્રેસ ના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ ખુલાસો આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે આવા કોઈ ગુંડા નથી પરંતુ બીજેપી જ આવા કૃત્ય કરે છે અને ખોટા દોષારોપણ કરે છે.

ચૂંટણી સમયે જ સ્વામી પર થયેલ આ હુમલાના કારણે વિસાવદરના બંને ઉમેદવારની પરસ્પરની આક્ષેપબાજીમાં ધર્મ અટવાઈ ગયો છે તો સાથે સાથે તંત્ર માટે પણ શાંતિપૂર્ણ ચૂંટણી એ આ વખતે મોટી કસોટી હશે એમ લાગી રહ્યું છે.

You might also like