સાણંદમાં બુટલેગરે પોલીસ પર કાર ચઢાવી દીધી

અમદાવાદ: અમદાવાદના સાણંદ શહેરમાં ગત રાત્રે એક બુટલેગરની કારને રોકવા જતાં બુટલેગરે કાર ભગાવી પોલીસ પર ચઢાવી દીધી હતી. આ ઘટનામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે બુટલેગરનો પીછો કર્યો હોવા છતાં તે ફરાર થવામાં સફળ રહ્યો હતો. સાણંદ પોલીસે બુટલેગર અંકુર જયસ્વાલ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.

મળતી માહિતી મુજબ સાણંદ પોલીસને બાતમી મળી હતી કે અંકુર જયસ્વાલ નામનો બુટલેગર કારમાં દારૂ લઇને સાણંદ આવવાનો છે, જેના આધારે એકલિંગજી ફ્લેટ નજીક પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન રીટ્ઝ કાર આવતાં પોલીસે કારને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ કારચાલકે કાર રોકવાની જગ્યાએ કાર પોલીસ પર ચઢાવી દીધી હતી. આ ઘટનામાં પોલીસકર્મી દિનેશસિંહ જીલુભા ઝાલાને હાથ અને પગના ભાગે ઇજાઓ થઇ હતી.

બુટલેગર અંકુર અને કારમાં બેઠેલ અન્ય શખસ કાર લઇ ફરાર થઇ ગયા હતા. પોલીસે બુટલેગરનો પીછો કર્યો હતો, પરંતુ તેઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે બુટલેગર સહિત બે સામે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like