નરોડા પાટિયા કેસના આરોપીએ સામાજિક કાર્યકર પર કર્યો હુમલો

અમદાવાદ: ભૂતપૂર્વ પત્રકાર અને સામાજિક કાર્યકર રેવતી લોલ પર ગઇ કાલે રાત્રે નરોડા પાટિયા કેસના આરોપી સુરેશ લંગડા (છારા)એ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત રેવતીને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડ્યા હતા. આરોપી સુરેશ હાલ પેરોલ પર મુક્ત છે. સરદારનગર પોલીસે રેવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દિલ્હી અને હાલ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા ભૂતપૂર્વ પત્રકાર અને સામાજિક કાર્યકર રેવતી લોલ વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં ગોધરાકાંડ બાદ થયેલા તોફાનો ઉપર એક પુસ્તક લખી રહ્યા છે. ગઇ કાલે તેઓ નરોડા પાટિયા કેસના આરોપી સુેશ છારા (લંગડા) જે હાલ પેરોલ પર મુક્ત છે તેને મળવા તેના ઘરે સરદારનગરના છારાનગર વિસ્તારમાં ગયા હતા.

દરમિયાનમાં ઇન્ટરવ્યૂ સમયે બંને વચ્ચે કોઇ બોલાચાલી થઇ હતી, જેમાં આરોપી સુરેશે રેવતીના મોઢા ઉપર માર માર્યો હતો, જેથી તેઓ ત્યાંથી નીકળી ગયાં હતાં અને વેજલપુર પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. તેઓને ઇજા થઇ હોવાથી સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડાયા હતા.

બીજી તરફ બનાવ બાદ આરોપી સુરેશ ફરાર થઇ ગયો હતો. બીજી તરફ આ બનાવ સરદારનગર વિસ્તારમાં બન્યો હોવાથી આ અંગે સરદારનગરમાં રેવતીએ ફરિયાદ નોંધાવી હતી. સરદારનગર પીઆઇ વી.આર. પટેલે જણાવ્યું હતું કે હાલમાં રેવતીની ફરિયાદ લેવામાં આવી છે અને આરોપી સુરેશને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like