ખરખરો કરવા ગયેલા યુવકને પત્ની, સાસુ, સાળાએ ધોકાથી ઝૂડી નાખ્યો

અમદાવાદ: પતિ પત્ની સાથે મારઝૂડ કરે તેવા અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાતા હોય છે, પરંતુ તેનાથી ઊલટો કિસ્સો શહેરના અમરાઇવાડી વિસ્તારમાં બન્યો છે. મરણ પ્રસંગમાં હાજરી આપવા ગયેલા પતિ પર પત્ની, સાસુ અને સાળાએ કપડાં ધોવાના ધોકાથી હુમલો કરતાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. બે વર્ષથી પિયરમાં રિસાઇને બેઠેલી યુવતીએ તેના પતિને જોતાં એકાએક ઉશ્કેરાઇ હતી અને હુમલો કરી દીધો હતો.

નરોડા અં‌બિકાનગરમાં રહેતા જગદીશભાઇ ડો‌િરયાનાં લગ્ન અમરાઇવાડીના નરસિંહનગરમાં રહેતી હર્ષાબહેન નારણભાઇ પરમાર સાથે થયાં હતાં. હર્ષાબહેને એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. કોઇ કારણસર બે વર્ષ પહેલાં પતિ તેમજ આંગણવાડીની નોકરી છોડીને હર્ષાબહેન પુત્રી ભૂમિને લઇ તેના પિયરમાં આવી ગઇ હતી. એકાદ-બે દિવસ પહેલાં જગદીશભાઇની સાસરીમાં કોઇ વ્યકિતનું મરણ થતાં તેઓ મરણ પ્રસંગમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યાં હતાં.

જગદીશભાઇને જોતાંની સાથે હર્ષાબહેન ઉશ્કેરાયાં હતાં, પરંતુ સમાજના લોકો હોવાથી તેઓ ચૂપ રહ્યા હતા. ત્યારબાદ ભૂમિને મળવા માટે જગદીશભાઇ પહોંચ્યા તે સમયે હર્ષાએ બોલવાનું શરૂ કરી દેતાં સાસુ નંદુબહેન અને સાળો દીપક પણ આવી ગયો હતો. કપડાં ધોવાના ધોકાથી જગદીશભાઇ પર એકાએક હુમલો શરૂ કરી દીધો હતો.

http://sambhaavnews.com/

You might also like