વીજ ચેકિંગ દરમિયાન જીઈબીની ટીમ પર ટોળાનો હુમલોઃ ગાડીઓનો ભુક્કો

અમદાવાદ: વીજચોરી અટકાવવા માટે જીઇબીની વિજિલન્સ ટીમ દ્વારા ગઇ કાલથી શરૂ થયેલી ઝુંબેશ દરમિયાન હળવદ તાલુકાના રણમલપુર-ચંદ્રગઢ ગામે મોડી સાંજે વીજ ચેકિંગ દરમિયાન લોકોનાં ટોળાઓએ વિજિલન્સ ટીમ પર જોરદાર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો અને ચારેક સરકારી ગાડીઓના ભુક્કો બોલાવી ભારે તોફડોડ કરતાં વાતાવરણમાં તંગદિલી છવાઇ હતી. પોલીસે અા અંગે ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગર પંથકમાં ગઇ કાલથી વીજચોરી અટકાવવા માટે જીઇબીની વિજિલન્સ ટીમે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. કુલ ૪૬ ટીમો આ દરોડાની કાર્યવાહીમાં જોડાઇ છે.

વીજચોરી કરતાં તત્ત્વો ટીમના આ દરોડાથી ભારે ઉશ્કેરાયા હતા. દરમિયાનમાં ગઇ કાલે સાંજે વિજિલન્સ ટીમો જ્યારે હળવદ તાલુકાના રણમલપુર અને ચંદ્રગઢ ગામે પહોંચી ત્યારે પહેલાંથી જ સામનો કરવા ઊભેલા તત્ત્વો જીઇબીની ટીમ પર તૂટી પડ્યા હતા અને ટીમો પર બેફામ પથ્થરમારો કરી હુમલો કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. પરિસ્થિતિ નાજુક જણાતાં એસઆરપીની ટીમ પણ બોલાવાઇ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ ચાર સરકારી ગાડીઓના કાચ તોડી નાખી ભુક્કો બોલાવી દીધો હતો. આ જ પ્રમાણે ચંદ્રગઢ ગામે પણ જીઇબીની ટીમ પર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટનાના કારણે જીઇબીની ટીમને વીજ ચેકિંગ અટકાવી દેવાની ફરજ પડી હતી અને એસઆરપીને બોલાવી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મારામારી અને તોડફોડ કરી તોફાની તત્ત્વો નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં સંખ્યાબંધ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.

You might also like