મોબાઇલ ચોરીના આરોપસર પરિવાર પર ચપ્પાથી હુમલોઃ એક ઘાયલ

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં મોબાઇલ ચોરી કરવાના આરોપસર પરિવારના ત્રણ સભ્ય પર પડોશમાં રહેતા બે યુવકોએ વડે હુમલો કરાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં બે આરોપીઓએ એક યુવકને ચપ્પાનો ઘા ઝીંકી દેતાં તેને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બાપુનગર વિસ્તારમાં આવેલ અન્સારનગરમાં રહેતા મોહમદ સિરાજ મોહમદ રફીક શેખે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. વિશ્વનાથનગરમાં કારખાનામાં નોકરી કરતો મોહમદ સિરાજ તેના ઘર તરફ જતો હતો તે સમયે તેના ભાઇ સરફરાજની આમિર મુનાવરખાન પઠાણ અને ગફાર જફરખાન પઠાણ નામના યુવક સાથે મોબાઇલ બાબતે ઝઘડો થયો હતો. આમિર અને ગફાર સરફરાજ પર મોબાઇલ ચોરીનો આરોપ મૂકી રહ્યા હતા. તે સમયે સિરાજ બંને વચ્ચેનો ઝઘડો શાંત કરાવવા માટે વચ્ચે પડ્યો હતો અને આમિર તેમજ ગફારને કહ્યુ હતું કે સરફરાજે કોઇનો મોબાઇલ ચોર્યો નથી તેનો ખુદનો મોબાઇલ ચોરાયો છે.

આમિર અને ગફારે એકાએક બંને ભાઇઓ પર હુમલો કર્યો હતો દરમિયાનમાં આમિરે સિરાજને ચપ્પાનો ઘા ઝીંકી દીધો હતો. સિરાજની પત્ની શબનમબેગમ વચ્ચે પડતાં બન્ને યુવકે તેને પણ ઢોર માર માર્યો હતો. ઘટનાની જાણ બાપુનગર પોલીસને થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી ત્યારે સિરાજ અને શબનમબેગમને 108 એમ્યુલન્સ મારફતે સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસે આમિર અને ગફાર વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like