સિટી પલ્સ મલ્ટિપ્લેકસના ભાગીદાર, બિલ્ડર અર્પિત મહેતા પર હુમલો

અમદાવાદ: સિટી પલ્સ મલ્ટિપ્લેકસ પ્રાઇવેટ લિ.ના ભાગીદારને લવ કુશ ઇન્ફ્રાસ્ટ્રકચરના માલિક અર્પિત રજનીકાંતભાઇ મહેતા પર ગઇ કાલે બે કારમાં આવેલા ૮થી ૧૦ શખ્સોએ બેઝબોલ સ્ટિક વડે હુમલો કર્યો હતો. પૈસાની લેતી દેતી મામલે આ હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત અર્પિતભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે. એસ.એન. સફલ ગ્રૂપના બિલ્ડર ધીરેન વોરા પર થયેલા હુમલા બાદ બિલ્ડર પર હુમલાનો વધુ એક બનાવ બન્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા વાડજ સ્વસ્તિક સ્કૂલ પાસે આવેલી કરુણા સોસાયટીમાં રહેતા અર્પિતભાઇ રજનીકાંતભાઇ મહેતા (ઉં.વ.૪ર) સિટી પલ્સ મલ્ટિપ્લેકસ થિયેટરના ભાગીદાર છે તેમજ લવ કુશ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ.ના માલિક છે. ગઇ કાલે અર્પિતભાઇ સીજી રોડ પર સચેત કોમ્પ્લેકસમાં આવેલી ઓફિસ નીચે તેમના મિત્ર મિતેશભાઇ સોની સાથે તેમજ કારના ડ્રાઇવર સાથે ઊભા હતા. તે દરમિયાનમાં એક શખ્સ અર્પિતભાઇ પાસે આવ્યો હતો અને અવારનવાર પૈસા કેમ નથી આપતો તેમ કહીને તેમજ બીભત્સ ગાળો બોલ્યો હતો. પૈસા કેમ નથી આપતો કહી લાફો મારી દીધો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો.

બાદમાં ડસ્ટર કારમાં છથી સાત શખ્સો આવ્યા હતા અને બેઝબોલની સ્ટિક વડે અર્પિતભાઇને માર માર્યો હતો. કારના ડ્રાઇવરને પણ માર મારી કારના કાચ તોડી નાખ્યા હતા. લોકોનાં ટોળે ટોળાં રોડ પર ભેગાં થઇ જતાં તમામ શખ્સો ત્યાંથી નાસી છુટયા હતા. ઇજાગ્રસ્ત અર્પિતભાઇને સારવાર અર્થે નવરંગપુરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ત્યાં દોડી આવી હતી. હાલમાં નવરંગપુરા પોલીસે રાયોટિંગ, મારા મારી અને જાનથી મારી નાખવાની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી
નવરંગપુરા, સીજી રોડ પર ભરબપોરે આ બનાવ બનતાં પોલીસે હાલમાં આરોપીઓને ઝડપવા માટે આસપાસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તેમજ રોડ પરના સીસીટીવી ફૂટેજ મેળવીને બેથી ત્રણ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

પૈસા કમાતે હો ઔર
દેતે નહીં હો
ડસ્ટર કારમાં આવેલા શખ્સો હિંદીમાં વાતચીત કરતા હતા અને પૈસા કમાતે હો ઔર દેતે નહીં, ખતમ કર ડાલો કહીને બેઝબોલની સ્ટિક વડે માર માર્યો હતો. હિંદીમાં બોલનારા શખ્સો કોણ હતા અને આ રીતે બિલ્ડરને જાહેરમાં પૈસા માગી મારવા પાછળ કોણ ખંડણીખોર છે કે પછી કોઇની સાથે જૂની અદાવત છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

You might also like