બહેન પર કોમેન્ટ કરનારને ઠપકો અાપ્યો તો માથામાં પાવડો માર્યો

શહેરના વટવા વિસ્તારમાં આવેલ એક પાન પાર્લર પર સિગારેટ પીવા માટે આવેલા એક વિદ્યાર્થી પર પાવડા વડે હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. સદ્ભાવનાનગર ચાર મા‌િળયામાં રહેતા અને ધોરણ-૧૦ની પરીક્ષા આપેલ વિદ્યાર્થી અભિનવ કમલેશભાઇ તિવારીએ વટવા પોલીસ સ્ટેશનમાં એક યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

મંગળવારે સાંજના પાન પાર્લર પર અભિનવ સિગારેટ પીવા માટે ગયો હતો ત્યારે તેની બહેન પાન પાર્લર પાસેથી પસાર થઇ હતી. દરમિયાનમાં પાન પાર્લર પર ઊભેલા વિક્રાંત ઉર્ફે મુસ્કી નામના યુવકે અભિનવની બહેનને જોઇને કહ્યું કે આ છોકરી સાથે સેટિંગ કરવું છે.

અભિનવે વિક્રાંતને કહ્યું હતું કે બોલવામાં ધ્યાન રાખ, આ મારી બહેન છે. આ મામલે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, જેમાં વિક્રાંત પાન પાર્લર પરથી જતો રહ્યો હતો.

અભિનવ પાન પાર્લર પર ઊભો હતો ત્યારે વિક્રાંત પાવડો લઇને આવ્યો હતો. એકદમ ઉશ્કેરાઇને અભિનવના માથામાં ઘા કરી દીધો હતો. અભિનવને લોહી નીકળતાં સ્થાનિકો દ્વારા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

You might also like