ધોરાજીમાં ભાજપ અગ્રણી પર મોડી રાત્રે હુમલો: સોનાના દોરાની લૂંટ

અમદાવાદ, શનિવાર
ધોરાજીમાં જાહેર રોડ પર આવેલ ભાજપના કાર્યાલય પર મોડી રાત્રે કોઇ અજાણ્યા શખસોના ટોળાંએ ત્રાટકી ભાજપ અગ્રણી જયસુખભાઇ ઠેસિયા પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને હુમલાખોરો સોનાના દોરાની લૂંટ ચલાવી રાત્રીના અંધકારમાં ગરકાવ થઇ ગયા હતા.

ભાજપ કાર્યાલય પર ભાજપના અગ્રણી જયસુખભાઇ ઠેસિયા મોડી રાત્રે બેઠા હતા ત્યારે અચાનક જ એક ટોળું ધસી આવ્યું હતું. જયસુખભાઇ કંઇ પણ વિચારે તે પહેલાં જ ટોળું તેમના પર તૂટી પડ્યું હતું. આ હુમલામાં જયસુખભાઇને હાથના ભાગે તેમજ પગમાં ઇજાઓ પહોંચી હતી.

આ હુમલાના સમાચાર મોડી રાત્રે પણ શહેરમાં વાયુવેગે પ્રસરી જતા ભાજપ કાર્યાલય પર મોડી રાત્રે ટોળાં એકત્ર થયાં હતાં. હુમલામાં ઘવાયેલ જયસુખભાઇ ઠેસિયાને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાબડતોબ ભાજપ કાર્યાલય પર પહોંચી જઇ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી સમયમાં આવનારી ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારનો ખાર રાખી આ હુમલો કરાયો હોવાનું ચર્ચાતા રાજકીય ગરમાવો આવ્યો છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

You might also like