યુવક સાથે પરિણીતાને જોતાં માર મારી ચપ્પાના ઘા ઝીંક્યા

અમદાવાદ: વટવા વિસ્તારમાં પરિણીતાને તેના પતિ, જેઠ, દિયર અને ભાઇએ ચપ્પાના ધા ઝીંકીને હત્યા કરવાની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

અમરાઇવાડી વિસ્તારમાં આવેલ યાદવનગરમાં રહેતી કરિશ્મા અવસ્થીએ વટવા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ મુજબ તેના લગ્ન ચાર મહિના પહેલાં બ્રિજેશ અવસ્થી સાથે થયાં હતાં. રાતે આઠેક વાગ્યાની આસાપાસ કરિશ્મા તેનાં પિયર જતી હતી ત્યારે રસ્તામાં હાટકેશ્વર એ.એમ.ટી.એસ બસસ્ટેન્ડ પાતે તેને એક મિત્ર ચંદન કેદારસિંગ રાજપૂત મળ્યો હતો. જેથી બંને જણા રિક્ષામાં બેસીને લાંભા મંદિર જવા માટે નીકળ્યાં હતાં. તે દરમિયાન રંગોલીનગર ખાતે કરિશ્માના પતિ બ્રિજેશ, જેઠ જિતુ, ભાઇ કનૈયા અને દિયર ગૌરે બાઇક લઇને આવ્યા હતા અને રિક્ષાને ઊભી રાખી હતી.

ચારેય જણા કરિશ્માને બહાર કાઢીને ઢોર માર મારવા લાગ્યા હતા પછી તેના પેટમાં ચપ્પાના ધા ઝીંકી દીધા હતા. ચંદનસિંગ વચ્ચે પડતાં તેને પણ ચપ્પાનો ધા ઝીંકી દીધો હતો. કરિશ્માની હાલત નાજુક હોવાથી તેને આઇસીયુમાં રાખવામાં આવી હતી. હાલ તેની તબિયત સારી થઇ જતાં તેણે વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, જેઠ, દિયર અને ભાઇ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર કરિશ્મા અને ચંદન બંને એક બીજાના સારા મિત્રો છે જેની અદાવત રાખીને તેના પર હુમલો કરવામાં આવ્યો છે.

You might also like