સાળા અને બનેવીએ કરેલા હુમલામાં ઘાયલ યુવાનનું મોત

અમદાવાદ: શહેરમાં હત્યાના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે બે દિવસ પહેલાં અમરાઇવાડી વિસ્તારમાં આવેલા શિવાનંદ નગરમાં યુવક પર થયેલા જીવલેણ હુમલામાં આજે સવારે સારવાર દરમ્યાન તેનું મોત થયું છે. અમરાઇવાડી પોલીસ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

વટવા સાંઇબાબા એપાર્ટમેન્ટમાં રહેતા રિષભ માણેકચંદ તિવારી તેના પિતરાઇ ભાઇ સૌરભ મિશ્રા સાથે એક્ટિવા લઇને અમરાઇવાડી ખાતે આવેલા શિવાનંદ નગરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે હિતેષ અર્જુનભાઇ રાઠોડ તથા તેનો બનેવી પિન્ટુએ જૂની અદાવતમાં રિષભ અને સૌરભ પર હુમલો શરુ કરી દીધો હતો.

સાળા બનેવીએ બંને ભાઇઓ પર તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં સૌરભને ગંભીર ઇજા પહોંચતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  બે દિવસની સારવાર બાદ આજે વહેલી સવારે તબીબોએ સૌરભને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક સૂત્રોનાં જણાવ્યા અનુસાર સાળા બનેવી પાનનો ગલ્લો ચલાવે છે અને દારૂનો ધંધો પણ કરે છે. પોલીસને બાતમી આપવા બાબતે સૌરભની હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like