પાક.ના બલુચિસ્તાનમાં હુમલોઃ આઠ સૈનિકોનાં મોત, ચાર આતંકી ઠાર

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં એક અર્ધસૈનિક ટ્રેનિંગ સેન્ટર શિબિર પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં ગઈ કાલે ચાર સૈનિકો મોતને ભેટ્યા છે. ચાર આતંકવાદીઓ પણ ઠાર મરાયા છે. સેનાએ જણાવ્યું હતું કે ચાર આતંકવાદીઓએ લોરલઈ ક્ષેત્રમાં ફ્રન્ટિયર કોરના ટ્રેનિંગ સેન્ટરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો અને તપાસ ચોકી પાસેના પરિસરમાં ઘૂસી ગયા હતા. સેનાએ જણાવ્યું હતું કે અભિયાન દરમિયાન એક આત્મઘાતી હુમલાખોર સહિત ચાર આતંકવાદી મૃત્યુ પામ્યા હતા. તેમણે જણાવ્યું કે હુમલામાં ચાર સુરક્ષાકર્મી પણ મૃત્યુ પામ્યા છે અને અન્ય બે ઘાયલ થયા છે. હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રકારની વિસ્તૃત જાણકારી આપી નથી.

હુમલાખોરો પહેલા એ વિસ્તારમાં ઘૂસવા ઈચ્છતા હતા. જ્યાં સૈનિક અને તેના પરિવારો રહે છે. ત્યાં ઘૂસવામાં નિષ્ફળ રહ્યા બાદ તેઓ એક સિક્યોરિટી ચેક પોઈન્ટ પર આવ્યા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું. પાકિસ્તાની સેનાના નિવેદન મુજબ ત્રણ આતંકવાદીઓને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યા. ચોથો આતંકી આત્મઘાતી હતો. આ સૌથી અશાંત વિસ્તારોમાંનો એક છે. અહીં પાકિસ્તાની સૈનિક ઘણીવાર આતંકવાદીઓનો શિકાર થતા રહે છે.

પાકિસ્તાનમાં આ પ્રકારે બનેલી કોઈ પહેલી ઘટના નથી. ગયા વર્ષે જુલાઈ મહિનામાં પાકિસ્તાનની બે ચૂંટણી રેલીઓને નિશાન બનાવીને કરાયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં મુખ્ય રાષ્ટ્રવાદી નેતા સહિત કમસેકમ ૭૫ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ બલુચિસ્તાન પ્રાંતના માસ્તુર ક્ષેત્રમાં બલુચિસ્તાન અવામી પાર્ટી (બીએપી)ના નેતા સિરાજ રાયસાનીને નિશાન બનાવ્યા હતા.

You might also like